સંતરામપુર અને કડાણા તાલુકાની ગ્રામ પંચાયતો વિકાસ આયોજન બનાવી રહી છે

સંતરામપુર, પંચાયતોને તેમની પાસે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને આર્થિક વિકાસ અને સામાજીક ન્યાય માટે ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) તૈયાર કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. જીપીડીપી આયોજન પ્રક્રિયા વ્યાપક અને સહભાગી પ્રક્રિયા પર આધારિત હોવી જોઈએ જેમાં બંધારણની અગિયારમી અનુસૂચિમાં સૂચિબદ્ધ 29 વિષયો સંબંધિત તમામ સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/રેખા વિભાગોની યોજનાઓ સાથે સંપૂર્ણ સંકલનનો સમાવેશ થાય છે.

સંતરામપુર અને કડાણા તાલુકાના કુલ 81 જેટલા ગામોમાં એફ.ઇ.એસ. સંસ્થાના માર્ગદર્શન હેઠળ કોમ્યુનિટી રિસોર્સ પર્સન, ગ્રામ પંચાયતના ચુટાયેલા આગેવાનો અને ગામની આગેવાન બહેનો સાથે મળીને આગામી વર્ષ એટલે કે 2024 – 25 માટે ગ્રામ પંચાયત વિકાસ આયોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. સંતરામપુર તાલુકામાં આગામી 16 થી 19 જાન્યુઆરી દરમિયાન ગ્રામસભાઓ યોજવામાં આવશે અને કડાણા તાલુકામાં 10 અને 11 જાન્યુઆરીના રોજ ગ્રામસભાઓનુ આયોજન કરેલ હતું. આ બાબતનો જીલ્લા વિકાસ અધિકારી મહીસાગર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમા 31 તારીખ સુધી આ ગ્રામ વિકાસ આયોજનને ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ ઉપર અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સૂચનામાં ગ્રામ પંચાયત પોતાના ગામ માટે સ્થાનીક ટકાઉ લક્ષ્યાંકોને નક્કી કરીને પોતાના આયોજનમાં સામેલ કરે, પોતાના ગામમાં આવેલી સ્વ સહાય જૂથો દ્વારા બનાવવામાં આવેલ ગરીબી નિવારણ પ્રવૃત્તિઓ પણ સામેલ કરવા માટે સુચના આપવામાં આવેલ છે. ખેતીવાડી, જમીન સુધાર, નાની સિંચાઈ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, સામાજીક વર્ગીકરણ, ગૌણ પણ પેદાશો, નાના ઉદ્યોગ ખાદી અને ગ્રામ ઉદ્યોગ, ગ્રામ આવાસ, પીવાનું પાણી, ઈંધણ અને ઘાસચારો, રસ્તાઓ, ગ્રામ્ય વીજળીકરણ, બિન પરંપરાગત ઉર્જા, ગરીબી નિવારણ કાર્યક્રમ, શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ, પૌઢ શિક્ષણ, ઉર્જા, અનૌપચારિક શિક્ષણ, પુસ્તકાલયો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, બજાર મેળાઓ, આરોગ્ય અને સ્વચ્છતા, પરિવાર કલ્યાણ મહિલા અને બાળ વિકાસ, સમાજ કલ્યાણ નબળા વર્ગોનો વિકાસ, જાહેર વિતરણ વ્યવસ્થા અને સામુદાયિક મિલકતોની સાચવણી વિગેરે વિષયોને ધ્યાનમાં રાખીને આયોજન બનાવવાની સૂચના આપવામાં આવેલ છે.

ગ્રામ પંચાયત વિકાસ આયોજન બનાવવા માટે સંતરામપુર અને કડાણા તાલુકાના ગ્રામ પંચાયતો બોર્ડ મીટીંગ ફળિયા સભા મહિલા સભા અને ગ્રામસભાનું આયોજન કરશે. આ તમામ પ્રક્રિયાઓ કરવા માટે આદિવાસી ગામોમાં કામ કરતી સંસ્થા એફ.ઇ.એસ. દ્વારા વિવિધ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.