સંતરામપુરના ટીભરવામાં દિપડાએ વૃદ્ધા પર હુમલો કરતા ઈજાગ્રસ્ત

સંતરામપુર, સંતરામપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી દિપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર દિપડાના હુમલાની ધટના સામે આવી છે. જેમાં એક વૃદ્ધા પર દિપડાએ હુમલો કરતા મહિલાના હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. સંતરામપુર તાલુકાના ટીભરવા ગામે દિપડાના હુમલાની ધટના બનવા પામી છે. જેમાં ઝુંપડા આગળ સુઈ રહેલી મહિલાના ખાટલા પાસે શિકારની શોધમાં દિપડો આવી પહોંચ્યો હતો. મહિલા કુતરૂ સમજીને તેને હાંકવા જતા વૃદ્ધ મહિલાના હાથના ભાગે દિપડાએ ઈજાઓ પહોંચાડી હતી. સદ્નસીબે આ ધટનામાં મહિલાને વધુ ઈજાઓ થઈ ન હતી. જયારે બનાવ અંગે વનવિભાગ પાસે મળતી માહિતી પ્રમાણે ટીભરવા ગામે પાંજરૂ મુકવાની કામગીરી હાથ ધરવામાં આવશે.દિપડાના હુમલાની ધટનાને લઇ ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.