સંતરામપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ તેમજ દવા છંટકાવ કામગીરી શરૂ

  • સંતરામપુર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છટકાવ કરાયો

મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ બાદ વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ, સફાઈ કામગીરી તેમજ રોગચાળો ના ફેલાય તે માટે દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સંતરામપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરી દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.જિલ્લા કલેકટર નેહા કુમારીની સૂચના અન્વયે જિલ્લાની નગરપાલિકાઓમાં વરસાદ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય, એ વિસ્તારોમાં રોડ રસ્તાની યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે, લોકોની અવરજવર માટે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તથા લોકોના આરોગ્ય માટે દવા છંટકાવ સહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લામાં વરસાદે વિરામ લેતાં નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને લોકોના આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.