સાંતલપુર પંથકનાં ૧૮ ગામોના અગરિયા પરિવારો આમરણ ઉપવાસ પર ઉતર્યા

પાટણ, સાંતલપુરમાં આવેલા રણમાં મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવતા ૧૮ ગામના ૭૫૦ જેટલા અગરિયા પરિવારજનોના ૪૦૦૦થી વધુ લોકોને વનવિભાગ દ્વારા રણમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદતાં મુશ્કેલીમાં મુકાયા છે. આથી અગરિયાઓના પરિવારો પોતાના ન્યાય માટે ગુરુવારે આડિસર વન વિભાગની કચેરી સામે આમરણાત ઉપવાસ પર બેસી ગયા છે અને ન્યાય નહી મળે તો લોક્સભાની આગામી ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી આપી છે.

અગરિયા હિતરક્ષક સમિતિ સહિત અગરિયા પરિવારો દ્વારા જિલ્લા કલેકટર સહિત વનવિભાગ અધિકારી અને ગુજરાત સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવ્યું નથી.

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા અગરિયાઓએ પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમે સાતલપુર રણની અંદર ૧૦ એકર જમીનની અંદર પોતપોતાનું મીઠું પકવી રોજીરોટી કમાતા હતા પરંતુ અગરિયાઓને વન વિભાગ દ્વારા રણમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદી વનવિભાગ દ્વારા ૨૦થી વધારે બહારની કંપનીઓને મીઠું પકવવા માટે ૧૦૦ એકર જેવી અલગ-અલગ જમીનો આપી અમારી સાથે અન્યાય કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યો હતો.