સાંતાક્રુઝના પ્રોફેસરે કુરિયરના ૧૦ રુપિયા આપવામાં ૭ લાખ ગુમાવ્યા

મુંબઇ,

સાંતાક્રુઝમાં રહેતા પ્રોફેસરે કુરિયર મોકલવાનું ભારે પડી ગયું હતું. એક કુરિયર કંપનીના કર્મચારી હોવાનો ડોળ કરીને સાયબર ઠગે તેમના બેન્ક ના ખાતામાંથી રૂ.. સાત લાખ ઉપાડી લીધા હતા. કુરિયરના ૧૦ રૂપિયાને બદલે આટલી મોટી રકમ ખાતામાંથી કાઢવામાં આવતા ચોંકી ગયેલા પ્રોફેસરે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સાંતાક્રુઝ (પશ્ર્ચિમ)માં જુહુ તારા રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતા પ્રોફેસર પોતાની સહીવાળી અરજી એક કંપનીને મોકલવા માગતા હતા. આ માટે તેમણે એક કુરિયર કંપનીનો ફોન પર સંપર્ક કર્યો હતો, પરંતુ સામેથી કોઈ જવાબ મળ્યા નહોતો. થોડા સમય બાદ તેમને મોબાઇલ પરથી ફોન આવ્યો હતો. તેણે કુરિયર કંપનીમાંથી બોલી રહ્યો હોવાનું કહ્યું હતું.

આ અરજી કુરિયર કરવા ૧૦ રૂપિયા લાગશે અને તેના માટે ’ટીમ વ્યૂઅર’ એપ ડાઉનલોડ કરી પૈસા ચૂકવવા પડશે, એમ અભિષેકે કહ્યું હતું.આથી પ્રોફેસરે આ એપ ડાઉનલોડ કરી હતી. એમાં તેમણે પોતાની વ્યક્તિગત માહિતી ભરી પછી તેમને ૧૦ રૂપિયા ચૂકવવાનો વિકલ્પ બતાવવામાં આવ્યો હતો. પરંતુ એમાં પૈસા ભરી શકાતા નહોતા.

પ્રોફેસરે ફરી અભિષેકનો સંપર્ક કર્યો હતો. ’ટીમ વ્યુઅર’ એપ દ્વારા આરોપીએ તેમના મોબાઇલ ફોન પર કન્ટ્રોલ કર્યો હતો. તેણે પ્રોફેસરને ડેબિટ કાર્ડની તમામ માહિતી એપમાં ભરવા કહ્યું હતું. મોબાઇલમાં આવેલો ઓટીપી અભિષેક જોઈ શક્તો હતો. તે મુજબ ૧૦ રૂપિયા ના બદલામાં તેણે તબક્કાવાર સાત લાખ સાત હજાર રૂપિયા જુદા જુદા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

આરોપી અભિષેકે ફોન કટ કરી નાખ્યા બાદ પ્રોફેસરને મોબાઇલ પર એક પછી એક મેસેજ આવતા હતા. બેન્ક ખાતામાં લાખો રૂપિયા ગાયબ હોવાનો મેસેજ આવતા તેમણે આશ્ર્ચર્યમાં પડી ગયા હતા. આરોપીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ હતો. છેવટે મામલાની પોલીસને જાણ કરવામાં આવી હતી.