વડોદરા,
વડોદરા શહેરની વિશ્ર્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના પરિસરમાં આવેલી સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક યુવક અને યુવતી દ્વારા નમાઝ પઢવામાં આવતી હોવાનો વીડિયો વાઇરલ થતાં હડકંપ મચી ગયો છે. સમગ્ર વિષયમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના સહમંત્રી કાર્તિક જોષીએ યુનિવર્સિટી સત્તાધીશો પાસે તપાસની માંગણી કરવાની જાહેરાત કરી છે.
કાતક જોષીએ જણાવ્યું હતું કે,યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અથવા રજિસ્ટ્રારને મળીને આ વીડિયોમાં દેખાતાં યુવક અને યુવતી કોણ છે? તેની તપાસ કરવા માટે માંગણી કરવામાં આવશે. વીડિયોમાં નમાઝ પઢતા બંને લોકો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોય તેમ જણાતું નથી. અન્ય ફેકલ્ટી પર પણ આવું થઈ રહ્યું છે કે, કેમ તે અંગે પણ તપાસ કરવા માટે માંગણી કરવામાં આવશે. વીડિયોમાં બંને વ્યક્તિના ચહેરા દેખાતા નથી. પરંતુ, પાછળથી એવું લાગી રહ્યું છે કે, આ વિદ્યાર્થીઓ નથી.
એમ.એસ. યુનિવસટીમાં પ્રથમ વખત જાહેરમાં કોઈ નમાઝ પઢી રહ્યા હોય તેવી ઘટના પ્રકાશમાં આવતા વડોદરા શહેરમાં ભારે ચર્ચા ઊઠી છે. વીડિયોમાં પાછળથી દેખાતી વ્યક્તિ કોઈ વિદ્યાર્થી ના હોય તેવું જણાય છે, ત્યારે બહારનાં તત્ત્વો યુનિવર્સિટીમાં કેમ પ્રવેશ કર્યો? અને યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયની સામે જ આવું કેમ કર્યું? તે અંગે પણ પ્રશ્ર્નો ઊભા થયા છે. વડોદરા શહેર વિશ્ર્વ હિન્દુ પરિષદના મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ આ વિષયમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક ધામમાં જાહેરમાં આવું કૃત્ય કરી શકાય નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી રોડ રસ્તા બગીચા અને રેલવે સ્ટેશન બધે નમાઝ પઢવામાં આવતી હતી. તેવું જ હવે શૈક્ષણિક સંકુલમાં બહારનાં તત્ત્વો દ્વારા કરવામાં આવી રહ્યું હોય તેવું જણાય છે તે કેટલું વાજબી છે? તે અંગે પણ તપાસ થવી જોઈએ. આ નમાઝ પઢનાર બહારના વટેમાર્ગુ જેવાં તત્ત્વો દેખાય છે, તેઓએ યુનિવર્સિટી માં આવીને આવું કામ કેમ કર્યું તે અંગે પણ તપાસની માંગણી અમે કરવાના છીએ.
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં વિવાદિત ચિત્રોને લઈને સતત વિવાદોમાં રહી છે, ત્યારે આ વખતે નમાઝના વીડિયોને લઈને વિવાદમાં આવી છે, ત્યારે આ વિવાદ આવનારા દિવસોમાં વકરે તેવી શક્યતા છે.