સંસદ સુરક્ષા ભંગ કેસમાં આરોપીના રિમાન્ડ લંબાવ્યા, પોલીસને તપાસ પૂર્ણ કરવા માટે ૨૫ મે સુધીનો સમય મળ્યો

નવીદિલ્હી,આજે દિલ્હી પોલીસે સંસદની સુરક્ષા લેપ્સ કેસમાં તમામ ૬ આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે કોર્ટને તપાસ પૂર્ણ કરવા અને ચાર્જશીટ દાખલ કરવા માટે સમય વધારવા જણાવ્યું હતું, જેના પર કોર્ટે કેસની સુનાવણી કરતા આરોપીના રિમાન્ડની મુદત વધારી દીધી છે. દિલ્હી પોલીસે આરોપીઓની ન્યાયિક કસ્ટડી પૂરી થયા બાદ તેમને હાજર કર્યા હતા.

આરોપીને રજૂ કરતી વખતે દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું કે અમને વધુ ૪૫ દિવસની જરૂર છે જેથી કરીને તપાસ પૂર્ણ કરી શકાય. ત્યાર બાદ ચાર્જશીટ ફાઈલ કરીશું. આ અંગે વિચારણા કર્યા બાદ પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસને સંસદની સુરક્ષાનો ભંગ કરનારા તમામ ૬ આરોપીઓ વિરુદ્ધ તપાસ પૂર્ણ કરવા માટે ૨૫મી મે સુધીનો સમય આપ્યો હતો, એટલે કે દિલ્હી પોલીસે આ મામલે ૨૫મી મે સુધીમાં તપાસ પૂર્ણ કરવી પડશે. આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવી પડશે.

તમને જણાવી દઈએ કે ૬ આરોપીઓ લલિત ઝા, મહેશ કુમાવત, અનમોલ, સાગર શર્મા અને મનોરંજન ડી, નીલમ આઝાદે સંસદ પર હુમલાની વર્ષગાંઠ એટલે કે ૧૩ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સંસદની સુરક્ષાનો ભંગ કર્યો હતો, આરોપીઓમાં ૨ યુવકો હતા. પ્રેક્ષક ગેલેરીમાં તેઓ કૂદી પડ્યા હતા અને રંગ છાંટવાનું શરૂ કર્યું હતું. આ પછી, ગૃહમાં હંગામો થયો, ત્યારબાદ દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી.