- વિપક્ષ જે મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે, તેમાં અગ્નિવીરથી લઈને ખેડૂતોને એમએસપી ગેરંટી અને યુવાનોને રોજગાર સહિતના મુદ્દાઓ સામેલ
આ વખતે દેશમાં સંસદનું નવું સત્ર શરૂ થાય તે પહેલા જ વિપક્ષ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓમાં ખૂબ ઉત્સાહ હોવા પાછળના અનેક કારણો પણ છે. આમાં સૌથી મોટું કારણ એ છે કે, ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવી શકી નથી. આ સાથે વિપક્ષી પાર્ટીઓની સીટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ભાજપને લોક્સભામાં ૨૪૦ બેઠકો મળી છે. કોંગ્રેસને ૯૯ બેઠકો મળી છે અને તેના સાથી પક્ષોને લગભગ ૧૩૫ બેઠકો મળી છે. વિપક્ષી પાર્ટીઓએ આ સંસદમાં અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. આ વખતે સરકારને લોક્સભાની સાથે રાજ્યસભામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જગન મોહન રેડ્ડીની વાયએસઆરસીપી અને બીજેડી આ વખતે સરકારને બિનશરતી સમર્થન આપવાના નથી. વિપક્ષ જે મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે, તેમાં અગ્નિવીરથી લઈને ખેડૂતોને એમએસપી ગેરંટી અને યુવાનોને રોજગાર સહિતના મુદ્દાઓ સામેલ છે.એનડીએમાં સામેલ ભાજપના સાથી પક્ષ જેડીયુએ પણ સેનાની ભરતીની અગ્નિપથ યોજનાનો વિરોધ કર્યો છે. એક રીતે, જેડી-યુએ સરકારની રચના પહેલા આ મામલાની સમીક્ષાની માંગ કરીને પોતાની માંગ આગળ વધારી છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ પાસે ગૃહમાં લોર મેનેજમેન્ટની જવાબદારી રહેશે. જેઓ યુવાન હોવા છતાં સંસદીય જીવનનો લાંબો અનુભવ ધરાવે છે.
આ સાથે વિપક્ષ નીટ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓને લઈને પણ સરકાર પર પ્રહાર કરી શકે છે. રાહુલ ગાંધી સહિત ઘણા વિપક્ષી નેતાઓએ નીટ પ્રવેશ પરીક્ષાને લઈને પ્રશ્ર્નો ઉઠાવ્યા અને કહ્યું કે, તેઓ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે. આ દરમિયાન, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે એક નિવેદનમાં કહ્યું કે, આ નીટ પરીક્ષા મોદી સરકારનું કૌભાંડ છે. તેને સંપૂર્ણપણે રદ કરી પરીક્ષા ફરીથી યોજવી જોઈએ. આ અમારી માંગ છે. આ પરિણામ ૧૪ જૂને આવવાનું હતું, પરંતુ તે ૪ જૂને આવ્યું છે.
સંજય સિંહે કહ્યું કે, ‘હું યુવાનોને કહેવા માંગુ છું કે તેઓ ક્યાં સુધી ચૂપ રહેશે, ક્યાં સુધી તેમની ગુલામી કરતા રહેશો. અગ્નિવીર બનાવીને ભવિષ્ય બગાડવામાં આવી રહ્યું છે. યુપી, બિહાર, ગુજરાત, રાજસ્થાનમાં પેપર લીક થઈ રહ્યું છે. દસ કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા છે, પરંતુ કદાચ આપણી સંવેદનશીલતા મરી ગઈ છે. ચૂંટણી વખતે આપણને જાતિ અને ધર્મના આધારે લડાવવામાં આવે છે, પરંતુ યુવાનોની વાત કોઈ કરતું નથી. યુવાનો, આગળ વધો અને તમારો અવાજ ઉઠાવો. આપના સાંસદો સંસદમાં તમારો અવાજ ઉઠાવશે.’ તો સાથે જ ભાજપે પણ વિપક્ષની તૈયારીઓને જડબાતોડ જવાબ આપવાની રણનીતિ પર વિચારણા શરૂ કરી દીધી છે. આ માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે.