કેનબેરા, ઓસ્ટ્રેલિયાએ રશિયાને જાસૂસીની આશંકાથી તેની સંસદની નજીક દૂતાવાસ બનાવવાથી રોકી દીધું છે. ગુરુવારે સંસદમાં આ અંગેનો કાયદો પણ પસાર કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું કે તેમના દેશની ગુપ્તચર એજન્સીની સલાહ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું છે. આ સાથે તે જમીન પર રશિયાની લીઝ પણ નાબૂદ કરવામાં આવી છે.
રશિયાએ ઓસ્ટ્રેલિયાના આ પગલાનો વિરોધ કર્યો છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું- ઓસ્ટ્રેલિયા સતત પશ્ર્ચિમી દેશોના આદેશનું પાલન કરી રહ્યું છે જેઓ રશિયા વિરુદ્ધ પ્રચાર અને નફરત ફેલાવે છે. તે તેમની સામે પોતાની ઈમેજ સુધારવા માગે છે. રશિયા ચોક્કસપણે તેનો બદલો લેશે. એએફપીના જણાવ્યા અનુસાર, અગાઉ રશિયન રાજદ્વારીઓએ આ મામલે કાયદાકીય સલાહ લેવાની વાત કરી હતી.
નવા કાયદા અનુસાર રશિયાને લીઝના બદલામાં નાણાકીય વળતર મળી શકે છે. જો કે તેની હાલની એમ્બેસી આ કાયદાના દાયરામાં આવશે નહીં. રશિયન એમ્બેસીના બાંધકામને રોકવા માટે, ઑસ્ટ્રેલિયન સંસદમાં ૫ મિનિટમાં કાયદો રજૂ કરવામાં આવ્યો અને પસાર કરવામાં આવ્યો.
વડાપ્રધાન અલ્બેનિસે કહ્યું કે રશિયા આ સમયે આંતરરાષ્ટ્રીય કાયદાઓ વિશે સવાલ પૂછવાની સ્થિતિમાં નથી. તેમણે યુક્રેન પર અનૈતિક રીતે આક્રમણ કર્યું છે અને ૧૬ મહિનાના યુદ્ધ દરમિયાન ઘણા કાયદા તોડ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં વિપક્ષના નેતા પીટર ડટને કહ્યું કે રશિયાના ખતરાને જોતા અમે એકજૂટ છીએ. અન્ય કોઈ દેશ અમારી જાસૂસી કરે અથવા અમારી સુરક્ષાને જોખમમાં મૂકે તે અમે સહન કરીશું નહીં. અમે દેશની ચૂંટણી પ્રક્રિયામાં કોઈને હસ્તક્ષેપ કરવા નહીં દઈએ.હકીક્તમાં ૨૦૦૮ માં, મોસ્કોએ કેનબેરામાં સંસદ ભવનથી માત્ર ૪૦૦ મીટર દૂર જમીન ભાડે આપી હતી. ત્યારથી અહીં દૂતાવાસનું બાંધકામ ચાલી રહ્યું છે. જોકે તે ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયા યુક્રેનને સતત મદદ કરી રહ્યું છે. નાટો અને અમેરિકાની સાથે તેણે ઘણી વખત રશિયાના પગલાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
તેણે યુદ્ધમાં યુક્રેનને ઘણા સૈન્ય હાર્ડવેર, હથિયારો અને અન્ય જરૂરી વસ્તુઓ આપી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા યુક્રેનના સૈનિકોને ટ્રેનિંગ પણ આપી રહ્યું છે.