
રાજકોટ,\સૌરાષ્ટ્રનાં પાટનગર ગણાતા રાજકોટ અને ગાંધીભૂમિ પોરબંદર તેમજ અમદાવાદ સહિતના સ્થળોએ ૯ સીટર ફ્લાઈટની સુવિધા આપવા રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાએ રજૂઆત કરી છે.
સાંસદ રામ મોકરિયાએ ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપુતને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, કોરોના કાળ અગાઉ પોરબંદરથી મુંબઇ વિમાન સેવા ચાલુ હતી. પોરબંદરથી અમદાવાદ માટે પણ મેસર્સ ટર્બો મેઘા કંપનીને ત્રણ વર્ષ માટે રૂટ શરૂ કરવા કોન્ટ્રાકટ અપાયો હતો. પરંતુ કંપનીમાં મેનેજમેન્ટનાં પ્રશ્ર્નોને લઈને આ રૂટ શરૂ થઈ શક્યો નથી. આ સિવાય હાલ પોરબંદરથી અન્ય કોઈ એર સુવિધાઓ ઉપલબ્ધ નથી. મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર દ્વારિકા અને સોમનાથ જેવા તીર્થસ્થાનોથી નજીક છે. આ ઉપરાંત અહીં મોટો ઔદ્યોગિક વિસ્તાર પણ છે. એટલું જ નહીં નેવીનું બંદર પણ આવેલું છે. ફિશરીઝ ઉદ્યોગ પણ અહીં ધમધમે છે. ત્યારે અહીં અવરજવર માટે ૯ સીટર ફ્લાઈટની સુવિધા આપવી જરૂરી છે.
વધુમાં તેમને જણાવ્યું છે કે, હાલમાં ઉડાણ-૨ સ્કીમ હેઠળ સુરતથી રાજકોટ ૯ સીટર ફ્લાઈટ કાર્યરત છે. તો અમરેલીથી સુરત જવા માટે પણ આ સુવિધા ઉપલબ્ધ છે. એટલું જ નહીં આ બંને સ્થળે પૂરતો ટ્રાફિક મળી રહે છે. ત્યારે મારી સરકારને વિનંતી છે કે, પોરબંદરથી ફ્લાઈટ રાજકોટ અને રાજકોટ અમદાવાદ વચ્ચે પણ ઉડાન-૨ હેઠળ તાત્કાલિક આ સુવિધા શરૂ કરવી જોઈએ. આ સુવિધા અમદાવાદ રાજકોટ માટે શરૂ થશે તો રાજ્યમાં અનેક વેપાર ઉદ્યોગોને ખૂબ મોટો લાભ થવાની શક્યતા પણ તેમણે દર્શાવી છે.