- પ્રજાની સમસ્યાનુ સમાધાન મારી ફરજ : સાંસદ જશવંતસિંહ.
દાહોદ, દાહોદમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ દબાણ હટાવ ઝુંબેશ છેલ્લા ચરણમાં આવી પહોંચી છે. આ કામગીરી અંતર્ગત 400થી વધુ દુકાનો તોડી પાડવામાં આવી છે. તેને કારણે કેટલાયે પરિવારો રોજગારી વિના રઝળી પડ્યા છે. ત્યારે દાહોદના સાંસદ અને ધારાસભ્ય દ્વારા સત્વરે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રીએ પણ સંવેદનશીલ રીતે જેમ બને તેમ કાર્યવાહી પૂર્ણ કરવા હૈયાધારણ આપતાં દાહોદના અસરગ્રસ્તો માટે રોજગારીની દિશા ઉજ્જવળ બની હોય તેમ લાગી રહ્યુ છે.પાલિકાની ટીમ અને શહેર સંગઠનના મુખિયા પણ સાથે ઉપસ્થિત હતા.
દાહોદ શહેરનો સમાવેશ કેન્દ્ર સરકારના 100 શહેરોના સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો છે.જે સમગ્ર દેશમાં એક માત્ર નગર પાલિકા વિસ્તાર છે. જેમાં 1200 કરોડ કરતા વધુ રકમનો ખર્ચ કરી શહેરને સ્માર્ટ સીટી બનાવવાનું લક્ષ્ય છે.આ પ્રોજેક્ટ અંતર્ગત છાબ તળાવ બ્યુટીફીકેશન સહિત જમીનની અંદરના ઘણાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે અને તેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ જે કામો બાકી હતી તેની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. કારણ કે સમગ્ર સ્માર્ટસીટી પ્રોજેક્ટનો સમય હવે એક વર્ષ જેટલો જ બાકી છે.
દાહોદ શહેરમાં હાલમાં રોડ અપગ્રેડેશનની કામગીરી અંતર્ગત રસ્તાઓ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. રસ્તાઓ પહોળા કરવા માટે તેની આસપાસ કરેલા કાચા પાકા દબાણો હટાવવા જરૂરી હોવાથી શહેરમાં તેવા દબાણો હટાવી દેવાયા છે. આ કામગીરી અંતર્ગત 450 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે. જેમાં કેટલાયે પરિવારો રોજી રોટી વિહોણાં થઇ ગયા છે. તેવા પરિવારો સહિત તેમની સાથે કામ કરતા શ્રમિકો માટે પણ વિકટ સ્થિતિ આવી પડી છે. ત્યારે હવે આ સળગતી સમસ્યા હલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના નેતૃત્વમાં અને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની ઉપસ્થિતિમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને સાંસદ દ્વારા એક પત્ર આપી રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે હાથલારીઓ અને કાચી કેબીનોમાં વેપાર કરતા પાલિકાના ભાડુઆતો તરીકે વેપાર કરતા હતા. 90ના દાયકામાં તેમને પાકી દુકાનો નગર પાલિકા દ્વારા ફળવાઇ હતી અને ત્યાર બાદ ગૌરવ પથ અને વિકાસ પથ દરમિયાન રોડ અપગ્રેડેશન થયા છે. ત્યારે હાલમાં રોડ અપગ્રેડેશનની કામગીરી અંતર્ગત 450 જેટલી દુકાનો દુર કરાતા 70 વર્ષ જૂના દુકાનદારોનો પ્રશ્ર્ન ગંભીર રીતે ઉપસ્થિત થયો છે. આ પ્રશ્ર્નના નિરાકરણ માટે પાલિકાએ સંમત્તિ બતાવી છે. ત્યારે શહેરમાં આવેેલા વિવિધ પ્લોટોને વાણિજ્યિક હેતુ માટે ફેરફાર કરી આપવા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી છે. ત્યારે મુખ્યમંત્રીએ પણ આ પ્રશ્ર્નના નિરાકરણ માટે સંપૂર્ણ હકારાત્મક પ્રતિભાવ આપી ઘટતું કરવા હૈયાધારણ આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ બાબતે સાસંદ જશવંતસિંહ ભાભોરે ટેલીફોનીક વાર્તાલાપમાં જણાવ્યું હતું કે, દાહોદ શહેરના વેપારીઓને ગંભીર અસર થઇ છે અને તેના નિરાકરણ માટે સ્થાનિક તંત્ર સાથે પહેલેથી જ વાતચીત ચાલી રહી હતી અને હવે મુખ્યમંત્રીને લેેખિત રજૂઆત કરી વહેલી તકે રોજગારીના ગંભીર પ્રશ્ર્નનું નિરાકરણ કરવા વિનંતી કરી છે. શહેર તેમજ સંસદીય વિસ્તારના તમામ લોકોની સુખાકારી માટેનુ સમાધાન શોધવુ એ અમારી નૈતિક ફરજ અને જવાબદારીનો એક ભાગ છે.