
નવીદિલ્હી, સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લોક્સભામાંથી હાંકી કાઢવામાં આવેલા સાંસદ મહુઆ મોઇત્રા સામે કેશ ફોર ક્વેરી કેસમાં લોકપાલે સીબીઆઇને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ ટૂંક સમયમાં આ મામલે એફઆઈઆર નોંધશે. લોકપાલે સીબીઆઇને મહુઆ મોઇત્રા વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ હેઠળ કેસ નોંધીને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે લોકપાલે તપાસ એજન્સીને છ મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. વાસ્તવમાં, નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઇત્રાએ ઉદ્યોગપતિ હિરાનંદાની પાસેથી પૈસા લીધા અને સંસદમાં પ્રશ્ર્નો પૂછ્યા.
નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું એટલે કે થોડાક રૂપિયા માટે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદે ભ્રષ્ટાચાર અને દેશની સુરક્ષા હિરાનંદાની પાસે ગીરો મૂકી દીધી. તેમણે સત્યમેવ જયતે પણ લખ્યું હતું.
બીજેપી સાંસદ નિશિકાંત દુબે અગાઉ પણ આવો દાવો કરી ચુક્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં તેણે ઠ પર પોસ્ટ કરીને આવો જ દાવો કર્યો હતો. તે સમયે તેમણે લખ્યું હતું કે લોકપાલે રાષ્ટ્રીય સુરક્ષાને ગીરો કરીને ભ્રષ્ટાચારના આરોપી સાંસદ મહુઆ મોઇત્રા સામે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે . તે જ સમયે, મોઇત્રાએ તેમના પર વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે પીએમ મોદીનો લોકપાલ હજુ પણ અસ્તિત્વમાં છે અને હજુ પણ સક્રિય છે.
લોક્સભામાંથી હાંકી કાઢવામાં આવેલી મહુઆ મોઇત્રા પર બિઝનેસમેન દર્શન હિરાનંદાનીના કહેવા પર સંસદમાં પ્રશ્ર્નો પૂછવાનો આરોપ છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. દુબેએ ૧૫ ઓક્ટોબરે લોક્સભા સ્પીકરને પત્ર લખ્યો હતો અને તેમાં કહ્યું હતું કે મહુઆ મોઇત્રાએ ૬૧માંથી ૫૦ પ્રશ્ર્નો માત્ર અદાણી વિશે પૂછ્યા હતા. નિશિકાંત દુબેએ કહ્યું કે મહુઆ મોઇત્રા અદાણીને નિશાન બનાવવા માટે હિરાનંદાની વતી પ્રશ્ર્નો પૂછે છે. તેણે દાવો કર્યો હતો કે હિરાનંદાનીએ અલગ-અલગ જગ્યાએથી અને મોટાભાગે દુબઈથી પ્રશ્ર્નો પૂછવા માટે મોઈત્રાના લોગિન આઈડીનો ઉપયોગ કર્યો હતો. આ પછી લોક્સભાના સ્પીકરે તેને એથિક્સ કમિટીને મોકલી દીધી.