- લોક્સભા સ્પીકરે પણ સાંસદોને માસ્ક પહેરવાની અપીલ કરી હતી.
નવીદિલ્હી,
સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષ સતત ચીન પર ચર્ચાની માંગ પર અડગ છે. ગુરુવારે ૨૨મી ડિસેમ્બરે પણ સંસદ સત્રમાં હોબાળો મચી ગયો હતો. વિપક્ષે સરકારને ઘેરવાની તૈયારીઓ કરી લીધી હતી, સત્ર શરૂ થતાં જ ચીન પર ચર્ચાની માંગ ઉઠી, વિપક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. જે બાદ કાર્યવાહી અટકાવવી પડી હતી. તે જ સમયે, સંસદ સત્રમાં પણ કોરોનાની અસર જોવા મળી હતી. બંને ગૃહોમાં સાંસદો માસ્ક સાથે જોવા મળ્યા હતા. લોક્સભા સ્પીકરે પણ સાંસદોને માસ્ક પહેરવાની અપીલ કરી હતી.
છેલ્લા ઘણા દિવસોથી સંસદમાં ચાલી રહેલો હંગામો આજે પણ ચાલુ રહ્યો હતો. વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે વિપક્ષી દળોના નેતાઓ સંસદમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં મળ્યા હતા. જે બાદ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ ચીનની ઘૂસણખોરી પર સરકાર સાથે ચર્ચાની માંગ કરી હતી. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી અને મનીષ તિવારીએ ચીન સાથેની સરહદની સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાજ્યસભામાં નિયમ ૨૬૭ હેઠળ સસ્પેન્શન ઑફ બિઝનેસ નોટિસ આપી હતી. જોકે આ અંગે ચર્ચા થઈ શકી નથી. જે બાદ વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ સાથે જ વિપક્ષના હોબાળા બાદ લોક્સભાની કાર્યવાહી પણ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.
આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે ચીન પર ચર્ચા ઈચ્છીએ છીએ અને પીયૂષ ગોયલની માફી માંગીએ. ખડગેએ કહ્યું કે તમે અમારી વાતથી પરેશાન થઈ રહ્યા છો, અમારી સાથે ખાનગીમાં વાત કરશો તો દેશને ખબર નહીં પડે. તેના પર પીયૂષ ગોયલે કહ્યું કે ખડગે જે મુદ્દો ઉઠાવી રહ્યા છે તે પહેલા જ કહેવામાં આવ્યું છે કે ઇતિહાસમાં આવા સંવેદનશીલ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી નથી. સંરક્ષણ પ્રધાને ગૃહને વિગતવાર માહિતી આપી છે.
પીયૂષ ગોયલે કહ્યું કે, ૧૯૬૨માં તેમની જ પાર્ટીના વડાપ્રધાને કહ્યું હતું કે જો દેશનો એક ભાગ અલગ થઈ જાય છે તો તેમાં મોટી વાત શું છે કારણ કે ત્યાં ઘાસનું એક તણખલું પણ ઉગતું નથી. પીયૂષ ગોયલે ફરી એકવાર રાજીવ ગાંધી ફાઉન્ડેશનનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો. પોતાના નિવેદનની સ્પષ્ટતા કરતા ગોયલે કહ્યું કે તેમનો બિહાર કે બિહારીઓનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી. તમને જણાવી દઈએ કે ગોયલે આ પહેલા પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે જો તેમનું શાસવ ચાલે તો તેઓ આખા દેશને બિહાર બનાવી દેશે.
સંસદના શિયાળુ સત્રમાં હોબાળાની વચ્ચે પણ કોરોનાની અસર જોવા મળી હતી. લોક્સભા સ્પીકર ઓમ બિરલાએ તમામ સાંસદો, મંત્રીઓ અને અધિકારીઓ માટે ગૃહમાં પ્રવેશતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેર્યા વિના અંદર જતા તમામ સાંસદોને માસ્ક આપવામાં આવી રહ્યા છે. લોક્સભા અધ્યક્ષ તકેદારી અને સાવધાની રાખવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્યસભામાં પણ તમામ સાંસદો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા, જ્યારે અધ્યક્ષે પણ માસ્ક પહેર્યું હતું.સંસદના શિયાળુ સત્ર દરમિયાન ગુરુવારે કોરોના એલર્ટની અસર જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માસ્ક પહેરીને સંસદ પહોંચ્યા છે. લોક્સભાના સ્પીકર આમ બિરલા અને રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડ પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. ઘણા સાંસદો એવા પણ જોવા મળ્યા જેમણે માસ્ક પહેર્યા ન હતા.
ઓમ બિરલાએ તમામ સાંસદોને કોરોનાને લઈને સતર્ક રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ફરી એકવાર મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, તેથી દરેકે સતર્ક રહેવું પડશે. સંસદમાં દરેક માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.