સંસદમાં કોંગ્રેસ સાંસદ ગોગોઈ પર અકળાયા અમિત શાહ

  • સરકારે અમારા સહીત ઘણા પત્રકારોના મોબાઈલ ફોનમાં જાસુસી એપ પેગાસસ નાખ્યું છે.
  • કોંગ્રેસ સાંસદ ગોગોઈ પર અમિત શાહ અકળાયા,કહ્યુ-લાવો તમારો મોબાઈલ બતાવો.

નવીદિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી શાંત પડેલા પેગાસસ સ્પાયવેરનો મુદ્દો ફરી એકવાર સંસદમાં ગુંજ્યો હતો. કોંગ્રેસના સંસદસભ્ય ગૌરવ ગોગોઈએ, લોક્સભામાં પેગાસસ સ્પાયવેરનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સરકારને સવાલ કર્યો કે, સર્વેલન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સરકારે કેટલા માદક દ્રવ્ય માફિયાઓને પકડ્યા છે ? આ દરમિયાન ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે, સરકારે અન્ય ઘણા પત્રકારોના મોબાઈલ ફોનમાં પેગાસસ નાખ્યું છે. ગોગોઈના આ આરોપો પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વળતો જવાબ આપ્યો હતો.

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ તેમના મોબાઈલમાં પેગાસસનો ઉપયોગ થતો હોવાનો ગંભીર આરોપ સરકાર પર લગાવ્યો છે. અમિત શાહે કહ્યું, “હવે તેમણે, સરકાર પર જે આક્ષેપ લગાવ્યો છે તેની સાબિતી આપવી જોઈએ અથવા તો જે આક્ષેપાત્મક નિવેદન કર્યું છે તેને ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરવુ જોઈએ. આ સંસદ ગૃહ પાયાવિહોણા આક્ષેપો માટે નથી. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ તેમના મોબાઈલમાં પેગાસસ હોવાનો પુરાવો અમને આપવો જોઈએ.

ગૌરવ ગોગોઈએ લોક્સભામાં સરકારને પૂછ્યું હતું કે, મને જણાવો કે સરકાર કેવી રીતે સર્વેલન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. દર વખતે સરકાર અમારા ઉપર અને પત્રકારો ઉપર પેગાસસ સ્પાયવેર દ્વારા જાસુસી કરો છો. મને કહો કે તમે પેગાસસનો ઉપયોગ કરીને કેટલા માદક દ્રવ્યોના માફિયાઓને પકડ્યા છે ?

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પેગાસસ સ્પાયવેરને લઈને ઘણો હોબાળો મચ્યો હતો. પેગાસસ સ્પાયવેરનો પડઘો સંસદથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી સંભળાયો હતો. વિપક્ષે સરકાર પર પેગાસસ દ્વારા જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ત્યારબાદ કોર્ટે ટેકનિકલ કમિટીની નિમણૂક કરી હતી અને તેનો સંપૂર્ણ રિપોર્ટ સોંપવા કહ્યું હતું. બાદમાં, સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ટેકનિકલ કમિટીના અહેવાલમાં, સમિતિએ જણાવ્યું હતું કે વિવાદાસ્પદ ઇઝરાયલી સ્પાયવેર પેગાસસની હાજરી હોવા અંગે તપાસવામાં આવેલા કુલ ૨૯ મોબાઇલ ફોનમાં શોધી શકાઈ નથી. ટેકનિકલ કમિટીએ કહ્યું કે ભારત સરકારે તપાસમાં સહકાર આપ્યો નથી. કમિટીએ કહ્યું કે ૨૯માંથી ૫ મોબાઈલ ફોનમાં માલવેર જોવા મળ્યું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે પેગાસસ છે.