લોક્સભા ચૂંટણી ૨૦૨૪માં પંજાબની ખડુર સાહિબ લોક્સભા સીટ પરથી ચૂંટણી જીતનાર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ અમૃતપાલ સિંહના માતા-પિતાએ પુત્રને જેલમાંથી બહાર કાઢવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. એવી માહિતી છે કે, અમૃતપાલની મુક્તિ અથવા પેરોલ માટે પણ અરજી દાખલ કરવામાં આવી છે. આ પહેલા તેમના માતા-પિતા જેલ પહોંચ્યા હતા અને સાંસદ પુત્ર માટે મીઠાઈ પણ વહેંચી હતી.
અમૃતપાલની પત્ની કિરણદીપ કૌર ૫ જૂનથી અહીં છે. પરિવારજનોનું કહેવું છે કે, તેઓ અમૃતપાલને મુક્ત કરાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે.અમૃતપાલ સિંહ માર્ચ ૨૦૨૩ થી દ્ગજીછ હેઠળ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. રાષ્ટ્રીય સુરક્ષા કાયદો ૧૯૮૦માં અમલમાં આવ્યો. કોઈપણ પૂર્વ સૂચના વિના ધરપકડ કરવાનો આ કેન્દ્ર અને રાજ્ય સરકારોનો અધિકાર છે. આ કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિને ૧૨ મહિના સુધી અટકાયતમાં રાખવાની છૂટ છે.
સૂત્રોએ જણાવ્યું કે, અમૃતપાલ સિંહના પરિવારે તેની મુક્તિ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. શપથ લેતા પહેલા જ અમૃતપાલ જેલમાંથી બહાર નીકળે તે માટે તેમનો પરિવાર ટૂંક સમયમાં ડીએમ સમક્ષ પેરોલ માટે અરજી કરશે. આ પહેલા તે તમામ કાયદાકીય ઔપચારિક્તાઓ પૂર્ણ કરવા આસામના ડિબ્રુગઢ પહોંચી ગયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટની ભલામણ બાદ હવે તેમની અરજીને જેલ સત્તાવાળાઓની મંજૂરીની જરૂર પડશે. બીજી તરફ જેલમાં અમૃતપાલ સિંહને મળ્યા બાદ તેમના પિતાએ કહ્યું કે, અમે ખૂબ જ ખુશ છીએ કે અમારો પુત્ર ચૂંટણી જીત્યો છે. અમે તેને મળવા આવ્યા જેથી તે પણ ખુશ થાય કે લોકો તેને કેટલો પ્રેમ કરે છે.
નોંધનિય છે કે, અમૃતપાલે કોંગ્રેસના કુલબીર સિંહ ઝીરાને ૧,૯૭,૧૨૦ મતોના માજનથી હરાવીને સ્વતંત્ર ઉમેદવાર તરીકે ખડુર સાહિબ લોક્સભા બેઠક જીતી હતી. ખડુર સાહિબ સીટ પર આમ આદમી પાર્ટીના લાલજીત સિંહ ભુલ્લર ત્રીજા ક્રમે છે. અમૃતપાલને ૪,૦૪,૪૩૦ વોટ મળ્યા, જ્યારે ઝીરાને ૨,૦૭,૩૧૦ અને ભુલ્લરને ૧,૯૪,૮૩૬ વોટ મળ્યા. તમને જણાવી દઈએ કે, અમૃતપાલ અને તેના એક કાકા સહિત ઘણા ખાલિસ્તાની સમર્થકો ગયા વર્ષે ૧૯ માર્ચથી ડિબ્રુગઢ જેલમાં બંધ છે.