સંજુ સેમસનને તેની એક ભૂલને કારણે ૧૨ લાખ રૂપિયાનું નુક્સાન વેઠવું પડ્યું

મુંબઇ, આઈપીએલનો રોમાંચ દિનપ્રતિદિન વધી રહ્યો છે. રાજસ્થાન અને ગુજરાત વચ્ચેની મેચમાં પણ એવું જ કંઈક જોવા મળ્યું. જ્યાં છેલ્લાં બોલ સુધી મેચ ગઈ અને પરિણામ બદલાઈ ગયું. બુધવારે રમાયેલી આઇપીએલ મેચમાં રાજસ્થાન રોયલ્સ (આરઆર) ને ગુજરાત ટાઇટન્સ દ્વારા ૩ વિકેટે હરાવ્યું હતું. આ હાર બાદ રાજસ્થાન રોયલ્સને વધુ એક મોટો ફટકો પડ્યો છે. હારના દુ:ખ વચ્ચે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન માટે અચાનક એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સંજુ સેમસને આ મેચમાં ૩૮ બોલમાં ૬૮ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. સંજુ સેમસને ૧૭૮.૯૫ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને ૭ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા.

સંજુ સેમસનને તેની એક ભૂલને કારણે ૧૨ લાખ રૂપિયાનું નુક્સાન વેઠવું પડ્યું છે. વાસ્તવમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને આઇપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.આઇપીએલ ૨૦૨૪ સિઝનમાં સંજુ સેમસનનો આ પહેલો ગુનો હતો. બીસીસીઆઈએ સંજુ સેમસનને ધીમી ઓવર રેટ માટે દોષિત જાહેર કર્યા બાદ આ મોટી સજા આપી છે. રાજસ્થાન રોયલ્સની ટીમ નિર્ધારિત સમયમાં ૨૦ ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહી હતી.

સ્લો ઓવર રેટના કારણે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામેની આઇપીએલ મેચની છેલ્લી ઓવરમાં ૪ને બદલે ૫ ખેલાડીઓને ૩૦ યાર્ડની અંદર રાખવા પડ્યા હતા. આઇપીએલએ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે, ’રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ૧૦ એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન આઇપીએલ આચાર સંહિતા હેઠળ ધીમી ઓવર રેટ માટે દોષી ઠેરવવામાં આવ્યો છે. ધીમી ઓવર રેટ સંબંધિત આ સિઝનમાં સંજુ સેમસનનો પહેલો ગુનો હોવાથી તેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જો રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન ફરીથી સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરશે તો તેના પર ૨૪ લાખ રૂપિયાનો દંડ થશે. સાથે જ ટીમના બાકીના ખેલાડીઓને ૬ લાખ રૂપિયા અથવા મેચ ફીના ૨૫% દંડ ફટકારવામાં આવશે.આઇપીએલ ૨૦૨૪માં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને બે વખત અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને ધીમી ઓવર રેટ માટે એક વખત દંડ ફટકારવામાં આવ્યો છે. નિયમો અનુસાર, જો કેપ્ટન આઇપીએલ સિઝનમાં ત્રણ વખત ધીમી ઓવર રેટ માટે દોષિત ઠરે છે, તો ૩૦ લાખ રૂપિયાના દંડ ઉપરાંત, તેના પર એક આઇપીએલ મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. તે જ સમયે, ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ ઇલેવનના અન્ય ખેલાડીઓ પર ૧૨ લાખ રૂપિયા અથવા મેચ ફીના ૫૦% દંડ ફટકારવામાં આવશે.