દાહોદ જીલ્લાના સંજેલી પંથકમાં પરપ્રાંતીય ઇસમો દ્વારા કેમિકલ યુક્ત તાડીનું વેચાણ કરી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરી ગ્રામ્ય વિસ્તારના લોકોને નશાની ગર્તામાં ધકેલવાના પ્રયાસો કરતા હોવાની વાલ્મિકી સમાજના લોકો દ્વારા સંજેલી મામલતદારને રજૂઆતો કરી આવા તત્વો સામે પગલાં લેવા માંગણી કરી છે.
સંજેલી વાલ્મિકી સમાજના લોકોના આક્ષેપો અનુસાર સંજેલીના સંતરામપુર રોડ માંડલી રોડ, ચમારીયારોડ, ઝાલોદ રોડ સહિતનાં વિસ્તારોમાં સાત જેટલી જગ્યા ઉપર ડુપ્લીકેટ તાડીનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. ઉપરોક્ત વિસ્તારોમાં આંધ્રપ્રદેશ તરફના પરપ્રાંતીઓ દ્વારા તાડીના નામે કેમિકલયુક્ત નશા વાળી ફીનાઇલ જેવી ગોળીઓ દ્વારા ડુબલીકેટ તાડી બનાવી ખુલ્લેઆમ વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. સાથે સાથે પંથકના લોકોને નશાના બંધાણી બનાવી રહ્યા છે. ઉપરોક્ત કેમિકલ યુક્ત તાડીના સેવનથી બે વર્ષમાં આઠ લોકો મૃત્યુ પામ્યા હોવાનાં સંજેલી તાલુકાના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન અરવિંદ પિઠાયાએ સમાજના અગ્રણીઓ સાથે સંજેલી મામલતદાર પાસે પહોંચી રજૂઆત કરી છે. ઉપરોક્ત વિસ્તારમાં ડુબલીકેટ તાડીનું વેચાણ બંધ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.