સંજેલી, સંજેલી તાલુકાના ઝાલોદ તરફ જવાના મુખ્ય માર્ગ પર તળાવ રિચાર્જ માટે મુખ્ય માર્ગ તોડી અને પાઈપલાઈન પસાર કર્યા બાદ કોન્ટ્રાકટર દ્વારા મુખ્ય માર્ગ રિપેરીંગ ન કરાતા ઢીંચણ સમા ખાડા પડી જતા વાહનચાલકોને અકસ્માતની ભિતી સેવાઈ રહી છે જેથી વહેલી તકે માર્ગ રિપેરીંગ કરાય તેવી માંગ ઉઠવા પામી છે.
સંજેલી તાલુકામાંથી સીંગવડ-લીમખેડા તરફ અને સંજેલી તાલુકાના આવેલા તળાવમાં સિંચાઈ યોજના હેઠળ પાણી આપવાની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભામણ કુંડા ઈટાલી રંગલી ધાટી કોૈચર સહિત માર્ગને તોડી પાડી અને પાઈપલાઈન પસાર કરવામાં આવી હતી. જે બાદની બેદરકારી અને તંત્રની રહેમ નજર હેઠળ આજદિન સુધી મુખ્ય માર્ગને રિપેર કરવામાં આવ્યો નથી. જેના કારણે માર્ગ પર ઢીચણ સમા ખાડા પડી જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાય તેવી ભિતી સેવાઈ રહી છે. આવા લેભાગુ કોન્ટ્રાકટર દ્વારા મુખ્ય માર્ગ તોડી પાડ્યા બાદ રસ્તાની કામગીરી ન કરાતા તંત્ર દ્વારા આવા કોન્ટ્રાકટર સામે યોગ્ય પગલા લેવામાં આવે તેમજ તાત્કાલિક આ રસ્તાની રિપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.