સંજેલી, સંજેલી તાલુકામાં કેટલીક જગ્યાઓ પર સરકારી બાબુઓની બેદરકારી સામે આવી છે. કયા રસ્તા પર કેવા પ્રકારના સ્પીડ બ્રેકર બમ્પ મુકી શકાય તેની માહિતી વિનાના અધકચરા એન્જિનીયરની કામગીરીથી સંજેલી તાલુકાના અનેક નાના-મોટા વાહનચાલકો દરરોજ આ રસ્તા પરથી પસાર થતાં અકસ્માતનો ભય સેવી રહ્યા છે.
સંજેલીથી ઝાલોદ જતા ભામણ ધાટી પરના રસ્તા પર મોટા વળાંક વચ્ચે જ રણધિકપુર તરફ જતી પાણીની પાઈપલાઈન નાંખવા મો મોટા નાળા (ભુંગળાઓ)દબાવ્યા બાદ ખાડાઓ કરી મુકયા હતા. બાદ હવે ખાડો પુરીને મોટા વળાંક વચ્ચે જ જેસીબીથી મોટા બમ્પ બનાવી દેવામાં આવ્યા છે. આ જગ્યાને સમાતંર કરવાના બદલે સરકારી એન્જિનીયર બાબુઓની ગેરહાજરીમાં નરી વેઠ ઉતાર કામગીરી કરી દેવામાં આવતા સંજેલીથી વાંસીયા હિરોલા, ઝાલોદ-દાહોદ જતા અનેક નાના-મોટા વાહનચાલકો આ રસ્તા પરથી પસાર થતાં ભારે હેરાન થઈ રહ્યા છે. ભામણ ધાટી પર જે માટીનો મોટો બમ્પ બનાવેલ છે તે શુ આવા જોખમી વળાંકમાં યોગ્ય ખરો ?
બે દિવસ અગાઉ એક બાઈક પર જતા બે શિક્ષકોને વધુ પડતા ઉંચા બમ્પના કારણે બેલેન્સ ન રહેતા બાઈક પરથી પડી જતા અકસ્માત થયો હતો.સંજેલી-ગોઠિબ રોડ પર આવેલા સરોરી ઝરીવાળા નાળા પર રસ્તાની બંને બાજુ જોખમી ચઢાવ બનાવીને તેની સામે કોઈ જોવાતુ જ નથી. અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સરકારી જવાબદાર અધિકારીઓ આ બાબતે યોગ્ય ઘ્યાન આપે તેવી માંગ ઉઠવા પામી છે.