સંજેલી, સંજેલીથી કરંબા થઈ દાહોદ તરફ મુસાફરોને અવર જવરની સુવિધાઓ મળી રહે તે અંતર્ગત એસ.ટી.બસ સેવા વર્ષોથી ચાલી રહી છે. થોડા સમયથી તંત્રની કે ચાલકની નિષ્કાળજીના લીધે બસ સેવા અનિયમિત તથા મુસાફરોને હાલાકી પડી રહી છે.
સંજેલીથી ભાણપુર કરંબા લીમડી થઈ દાહોદ જવા માટે મીની એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં આવી છે. દાહોદ તરફ જવાનો નજીક અને ટુંકો રસ્તો હોવાથી રોજના મુસાફરી કરતા કર્મચારીઓ અને અન્ય મુસાફરોને સુવિધા સમાન આ એસ.ટી.બસ સેવા છેલ્લા ધણા સમયથી અનિયમિત તેમજ સમયસર આવતી ન હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે 9.00કલાકે સંજેલીથી ઉપડી દાહોદ જવા માટે નીકળે છે. દિવસમાં ત્રણ ટ્રીપ મારતી આ બસ સેવા માત્ર એક જ ટ્રીપ ફરી અને પરત સંજેલી સાંજે જ આવતી હોવાથી દરરોજના અપડાઉન કરતા મુસાફરો અને કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.