સંજેલી તાલુકામાં મઘ્યાહન ભોજન સંચાલકની ભરતીમાં ગેરરિતી થઈ હોવાના આક્ષેપો સાથે ઓડિયો ક્લિપ વાયરલ થતાં જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. આ ઓડિયો ક્લિપમાં સંચાલકની ભરતી માટે રૂ. બે લાખ લેવાતા હોવાનુ કહેવાતા આ મામલે હવે તપાસની માંગ કરાઈ રહી છે.
આ ઓડિયો ક્લિપમાં થતી વાતચીતમાં સંચાલકની ભરતીમાં નિમણુંકના ઓર્ડર આપવા માટે રૂ. બે લાખનો ભાવ બોલાતો હોવાનુ અને કેટલાકનુ તો સેટિંગ કરી દેવાયુ હોવાનુ અને તારુ પણ થઈ જશે હજુ હુકમ થયા અથી, કાલે કલ્યાણપુરાનુ સેટ કર્યુ, નાયબ મામલતદાર જવાબ લઈ આવ્યો છે જેવી વાતચીત થતી હોવાનુ સંભળાય છે. આ ઓડિયો ક્લિપ થતાં સંજેલી તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તાલુકાના સંજેલી મઘ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની ભરતીમાં નિયમોને નેવે મુકી અન્ય મહિલાને ભરતીનો ઓર્ડર આપી દેવાયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. તાલુકાના મઘ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની ખાલી પડેલી જગ્યા માટે તા.12 જુને જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ હતુ.જેમાં થાળા સંજેલી ગામની ત્રણ મહિલા મળી લગભગ 11 જેટલા ફોર્મ ભરાયા હતા. ત્યારે અન્ય વ્યકિતને ઓર્ડર આપી દેવાતા ગેરરિતીના આક્ષેપો સાથે મહિલા અરજદાર નિસરતા અમૃતાબેન લક્ષ્મણભાઈએ મામલતદારને લેખિત રજુઆત પણ કરી હતી.