સંજેલી સરપંચના ધરે મુકી રાખેલ ગ્રામ પંચાયતના વાહનોને ટી.ડી.ઓ.એ કબ્જે લીધા

સંજેલી ગ્રામ પંચાયતમાં સ્વચ્છ અભિયાન હેઠળ ફાળવેલા ડોર ટુ ડોર કલેકશનના વાહનો સરપંચના ધરે જ મુકી રાખી અને ભાડાનુ ટ્રેકટર ફેરવતા પંચાયત પર લાખો રૂપિયાનો ભાર પડતો હોવાને લઈને અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. જેના પગલે ટીડીઓ દ્વારા સરપંચના ધરે મુકી રાખેલા વાહનો કબ્જે લેવામાં આવ્યા હતા.

સંજેલી ગ્રામ પંચાયતના કથળતા જતાં વહીવટ અને વડાપ્રધાનના સ્વચ્છ અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે. પંચાયતને સ્વચ્છ અને સુંદર રાખવા માટે ડોર ટુ ડોર કલેકશન માટે ઈલેકટ્રીક વાહન ફાળવ્યુ હતુ. તેમજ તાલુકા પ્રમુખની ગ્રાન્ટમાંથી પણ એક ટાટા એસી વાહન ફાળવ્યુ હતુ. પરંતુ સરપંચે આ બંને વાહનો પોતાના ધર પાસે જ મુકી દેવાતા ધુળ ખાતા હતા. જેના કારણે પંચાયતે વર્ષે 3 લાખ 60 હજારના ભાડાથી ટ્રેકટર રાખી અને દરરોજ ડોર ટુ ડોર કલેકશન માટે ફેરવાઈ રહ્યુ છે. ધરના છોકરાઓ ધંટી ચાટે જેવો હાલ કર્યો હતો.

જેથી આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા પણ પંચાયતના વાહનો તેમજ પંચાયતના સામાનો પંચાયત ખાતે મુકે તેવી રજુઆતો પણ કરી હતી. પરંતુ સરપંચ પોતાની મનમાની ચલાવી અને પંચાયતના મોટાભાગનો વહીવટ ધર બેઠા જ કરતા હોવાને લઈને લોકોમાં નારાજગી જોવા મળી હતી. આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ સરપંચના ધરે મુકી રાખેલા ડોર ટુ ડોર કલેકશનના વાહનો ટીડીઓ દ્વારા જપ્ત કરી સંજેલી તાલુકા પંચાયત ખાતે લવાયા હતા.