સંજેલી પતેલા ગામે માતાએ 11 વર્ષની દિકરી સાથે કુવામાં ઝંપલાવી આપધાત કર્યો

દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના પતેલા ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક માતાએ પોતાની 11 માસની માસુમ દિકરી સાથે અગમ્યકારણોસર ગામમાં આવેલ એક પાણીવાળા કુવામાં મોતની છલાંગ લગાવતાં માતા-પુત્રીનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.07મી જુલાઈના રોજ સંજેલીના પતેલા ગામે નિશાળ ફળિયામાં રહેતાં 28 વર્ષિય સવિતાબેન ચેતનભાઈ સંગાડાએ પોતાની 11 માસની માસુમ બાળકી પ્રિન્સીને સાથે લઈ ગામમાં આવેલ એક પાણીવાળા કુવામાં અગમ્યકારણોસર મોતની છલાંગ લગાવતાં બંન્ને માતા-પુત્રીનું કુવાના ઉંડા પાણીમાં ડુબી જવાને પગલે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારજનો તેમજ ગ્રામજનોને થતાં લોકટાળો ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. બંન્ને મૃતક માતા-પુત્રના મૃતદેહને કુવાના પાણીમાં બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી ત્યારે ઘટનાને પગલે ગ્રામજનોમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. પરણિતાએ પોતાની માસુમ પુત્રી સાથે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાયું નથી, પરંતુ ગ્રામજનોમાં તરેહ તરેહની ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે.

આ સંબંધે ચેતનભાઈ સુરસીંગભાઈ સંગાડાએ સંજેલી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.