સંજેલી, સંજેલી પંચાયતના કર્મચારીઓને પગાર ન ચુકવાતા પગાર બિલની માંગણી સાથે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને 40 દિવસ વિત્યા છતાં પણ પગાર આપવાનુ કે પંચાયત પર હાજર થવા માટેનુ તંત્ર દ્વારા નામ પણ લેવાતુ નથી. કર્મીઓની હડતાળથી ભારે હાલાકી પડી છે.
સંજેલી પંચાયતના કલાર્ક, પટાવાળા, વોટરવર્ક, સ્ટ્રીટલાઈટ સહિતના કર્મીઓના મોટાભાગના લગભગ 20 થી 25 મહિનાના પગાર બિલ બાકી હોવાથી તેમનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. પગાર બિલ માટે વારંવાર માંગણી કરવા છતાં પણ પગાર ન ચુકવાતા અંતે ફેબ્રુઆરીમાં ટીડીઓને પગાર ચુકવવા માટે લેખિત રજુઆત કરી હતી. જે બાદ પણ પગાર ન ચુકવતા અંતે હડતાળ પર ઉતર્યા છે. જેના 40 દિવસ જેટલો સમય થઈ ગયો છતાં પણ સરપંચ દ્વારા કર્મચારીઓને બોલાવવાના કે તેમનો પગાર ચુકવવા માટે કોઈ તસ્દી લેવાતી નથી. બે દિવસ અગાઉ તલાટી દ્વારા કર્મચારીઓ જોડે બેઠક યોજી હતી. હાલ એક માસનો પગાર આપી દઈએ અને બાકીનો પગાર જેમ જેમ આવક આવતી જશે તેમ તેમ ચુકવતા જશુ તેવી વાતચીત થઈ હતી. પરંતુ કર્મીઓએ એક પગારથી શું થાય ? બાકી રહેલા પગારમાંથી અડધા પગાર ચુકવે અને બાકીનો ધીમે ધીમે ચુકવે તેવી રજુઆત કરી હતી. પરંતુ આ બેઠકમાં સરપંચ જાણ પોતાની સત્તાની નશામાં ડુબેલા હોય તેમ કર્મચારીઓ જોડે હડતાળ પર ગયા બાદ તેમને બોલાવવાની કે તેમની જોડે સમાધાન કરવાની વાટાધાટો પણ કરવા તૈયાર નથી. તાલુકાના અધિકારીઓની પણ પંચાયત પર રહેમ નજર હોય તેમ કોઈપણ જાતનુ ઘ્યાન દોરવામાં આવતુ નથી.