સંજેલી પંચાયતમાં વેરાની વસુલાત નહિ થતાં વિકાસના કામો પર અસર

સંજેલી,દાહોદ જિલ્લાના સંજેલીમાં નવા બસ સ્ટેશનથી ઝાલોદ બાયપાસ રોડ પર હાલમાં અનેક નવા મકાનો બની રહ્યા છે. પરંતુ મુખ્ય રસ્તા ઉપર કેટલાય સમયથી સ્ટ્રીટલાઈટની પણ સગવડ આપવામાં નહિ આવતા રાત્રિના સમયે આ વિસ્તરોમાં અંધારપાટ છવાયેલો જોવા મળે છે.

સંજેલીના મેઈન બજાર, પંચાલ ફળિયા, મીલવાળી ચાલી ફળિયામાં છેલ્લા 10 દિવસથી સ્ટ્રીટ લાઈટના ધાંધિયાથી રહિશો પરેશાન થઈ ગયા છે. પંચાયતમાં નવી બોડી આવ્યા બાદ નગરના કેટલાક ફળિયામાં નવી એલઈડી લાઈટો નાંખવામાં આવી હતી. જેમાંથી કેટલીક લાઈટો હાલમાં બંધ હાલતમાં છે. જેને લઈને ચોમાસામાં ફળિયાઓમાં અંધારપાટ છવાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. આ બાબતે રજુઆત કરતા જાણવા મળ્યા મુજબ નગરમાં એવા કેટલાય લોકો છે જે પંચાયતનો વેરો ભરતા જ નથી. અંદાજિત 20 થી 22 લાખની વેરાની ઉધરાણી બાકી હોવાનુ જાણવા મળેલ છે. જેથી નગરજનોને સારી સગવડ અને સુવિધાઓ આપવા માટે હાલમાં પંચાયત પાસે પુરતુ ભંડોળ પણ નથી. પંચાયત દ્વારા લોકોને બાકી વેરા ભરવા માટે વારંવાર સુચનાઓ અને નોટિસો આપી હોવા છતાં વેરો ભરપાઈ કરતા નથી. જેથી પંચાયતની મિટીંગમાં બાકી વેરો વસુલવા માટે બાકીદારોના ધરે ઢોલ વગાડીને તેમને જગાડવા પ્રયત્નો કરાશે. ત્યારપછી પણ વેરો ભરવામાં નહિ આવે તો બાકીદારોના મકાનો અને દુકાનોને સીલ મારવા કાર્યવાહી કરવાનુ નકકી કરાયુ છે.