સંજેલી પંચાયત દ્વારા વેરા વસુલી માટે 250 બાકીદારોને નોટિસ

સંજેલી,સંજેલી પંચાયતમાં બાકી વેરાદારો સામે કાર્યવાહી કરવા માટે ટીડીઓ એ ગ્રામ પંચાયત ખાતે સરપંચ, તલાટી અને વેપારીઓ સાથે બેઠક યોજી અને વેરાની નિયમિત ભરપાઈ તેમજ સ્વચ્છ રાખવા માટે બેઠક યોજી હતી. જેમાં 250 ઉપરાંત બાકી વેરાદારોને તાત્કાલિક વેરો ભરવા માટે નોટિસ ફટકારી છે.

સંજેલીમાં પ્રાથમિક સુવિધા અને સ્વચ્છ અભિયાન તેમજ ગટર અને રસ્તાઓને લઈને ગ્રામજનો દ્વારા વારંવાર લેખિત અને મોૈખિક રજુઆતો કરાય છે. પરંતુ પંચાયતમાં વેરાદારો દ્વારા સમયસર વેરાની ભરપાઈ કરાતી નથી. જેથી સુવિધાઓ આપવામાં મુશ્કેલી પડી રહી છે. જે સમસ્યાને પહોંચી વળવા માટે સંજેલી ટીડીઓ કૃણાલ ડામોરે સંજેલી પહોંચી અને સરપંચ મનાભાઈ ચારેલ અને તલાટી રાહુલ પરમાર અને આગેવાનો, વેપારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં આપના વ્યવસાય વેરા અને ધરવેરા, દુકાનવેરા સહિતનુ સમયસર ગ્રામ પંચાયત ખાતે વેરાની ભરપાઈ કરો. બેઠક બાદ તાત્કાલિક ગ્રામ પંચાયતના બાકી વેરાદારોને વેરો ભરપાઈ કરી દેવો. ગંદા પાણી રોડ પર ન કાઢવા, જાહેર સ્થળ પર ગંદકી કરવી નહિ, તેમજ માર્ગો ઉપર એઠવાડ તેમજ કચરો ન કરવા અને ખુલ્લામાં શોૈચક્રિયા ન કરવી સહિતની 11 મુદ્દાઓને લઈને નોટિસ ફટકારવામાં આવી છે.