સંજેલીની સોસાયટીમાં બે મકાનોમાં તસ્કરોએ હાથફેરા કર્યા

સંજેલી, દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં મઘ્યરાતે મીલવાળી ચાલી પાસે આવેલી જીવનદીપ સોસાયટીના બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ.15 લાખથી વધુની ચોરી થઈ હતી.

દાહોદ જિલ્લાના સંજેલી નગરની મીલવાળી ચાલી પાસે આવેલી જીવનદીપ સોસાયટીમાં મઘ્યરાત્રિએ બુકાનીધારી તસ્કરોએ 7 જેટલા બંધ મકાનોના તાળા તોડ્યા હતા. જેમાંથી એક બંધ મકાનની તિજોરીમાંથી રૂ.15 લાખ જેટલા સોના-ચાંદીના દાગીના અને 50 હજારની રોકડ રકમની ચોરી કરી હતી. જયારે અન્ય એક વેપારીને ત્યાં સ્ટ્રીટ લાઈટના વીજપોલથી ધરમાં ધુસી તસ્કરોએ પાંચ હજાર જેટલી રોકડા રૂપિયાની ચોરી કરી હતી.

એક તરફ સંજેલી તાલુકા મથકે સ્માર્ટ પોલીસ સ્ટેશન આવેલા છે રાતના સમયે કેટલાક ફળિયા-મહોલ્લાઓમાં હોમગાર્ડ અને જી.આર.ડી.જવાનો રાત્રિ પોઈન્ટ મુકવામાં આવે છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ નાઈટ પેટ્રોલિંગમાં ફરતા હોય છે. રાતના સમયે સંજેલીમાં ત્રાટકેલી બુકાનીધારી ગેંગની કોઈને પણ જાણ ન થઈ. સંજેલી હાટ બજારમાં રહેતા એક વેપારીને ત્યાં નજીકમાં આવેલા લાઈટના થાંભલાના સહારે બીજા માળે ચઢીને તસ્કરોએ ધરના સભ્યોને માર મારીને ચોરી કરી હતી. આ બનાવ બાદ આજુબાજુના લોકો સફાળા જાગી જતા નગરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.આ બુકાનીધારી તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપી ભાગી જઈ પોલીસની નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડ્યા છે.આ બનાવને લઈ મકાન માલિકોએ સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.