સંજેલી તાલુકામાં 4 કલાકમાં દોઢ ઈંચ વરસેલા ભારે વરસાદે તંત્રની પોલ ખોલી નાંખી છે. આ વરસાદમાં કેટલાક રસ્તાઓ તુટી પડ્યા છે. અને કોઝવે પણ તુટી ગયા છે. જેથી લોકો પણ અવર જવર કરવા મુશ્કેલી વેઠી રહ્યા છે. વાસીયા આરોગ્ય કેન્દ્રથી ધાવડી ફળિયા પ્રાથમિક શાળા નજીક આવેલો કોઝવે તુટી પડ્યો છે. જેથી આ રસ્તા પર પસાર થતાં બાઈક તેમજ ફોર વ્હિલ વાહનચાલકો માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝવે તુટી જવાથી ધાવડી ફળિયા અને આસપાસના વિસ્તારમાંથી માઘ્યમિક તેમજ ઉચ્ચતર માઘ્યમિક શાળામાં અભ્યાસ કરવા જતાં બાળકોને પગદંડીના સહારે અભ્યાસ અર્થે જવા મજબુર બન્યા છે. કારણ કે વાસીયા તરફ જવાનો આ એક જ માર્ગ છે. અને જે માર્ગ પણ તુટી જવાથી બાઈક પસાર થાય તેવો પણ રસ્તો નથી. ત્યારે વહેલી તકે આ માર્ગની તંત્ર દ્વારા મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.