સંજેલીના પુષ્પસાગર તળાવની ફરતે બ્યુટિફિકેશનની ફાઈલોને અભરાઈએ ચઢાવાઈ

સંજેલી, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના યુવાનોએ સંજેલીના સ્ટેટ સમયના વર્ષો જુના પુષ્પસાગર તળાવ અને નજીકમાં આવેલા પીવાના પાણીના કુવા અને જર્જરિત હાલતમાં રહેલા કુંભાર ફળિયાની આંગણવાડીની સમસ્યાને લઈ તા.11 જુન 2021માં તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી.

સંજેલી ગ્રામ પંચાયત અને તાલુકાના અધિકારીઓએ લોકોમાં રોષ જોતા તળાવની મુલાકાત લઈ પુષ્પસાગર તળાવ અને કુવાના બ્યુટિફિકેશનની ફાઈલો બનાવી જરૂરી કામોની નોંધ કરી હતી. તેમજ પીવાના પાણી અને બહેનોને કપડા ધોવામાં પડતી મુશ્કેલીની સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરી હતી. તે સમયે અધિકારી દ્વારા સંજેલી નગરના યુવાનોને સમજાવી તેમનો રોષ સમાવવા પ્રયાસ કર્યો હતો. તે બાદ હાલ 2023નુ વર્ષ ચાલી રહ્યુ છે. પરંતુ કોઈ અધિકારી દેખાતા નથી કે નથી કામગીરી અંગે કોઈ પ્રયાસ થયા. હાલ ચારે બાજુથી તળાવનો ધાટ તુટી ગયો છે. તળાવની આસપાસ કચરાના થર જામી જતા નગરની શોભા સમાન તળાવના મુખ્ય ધાટની દશા સાવ ખરાબ થઈ ગઈ છે.તળાવમાં પાણી સુકાઈ જતુ હોવાથી પાણીની સમસ્યાથી પીડાતી મહિલાઓને કપડા-વાસણ ધોવા માટે મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા વહેલી તકે તળાવના બ્યુટિફિકેશન અને કુવાની કામગીરી અંગે નિર્ણય લઈ સમસ્યાનુ નિવારણ લાવે તેવી નગરજનોની માંગ ઉઠી છે.