સંજેલીના પીછોડા ગામે ખેતીવાડી વીજ પુરવઠો અવાર નવાર ખોરવાતા રવિ સીઝનના પાકને નુકસાન

સંજેલી,

સંજેલી તાલુકાના પીછોડા ગામે ખેતીવાડી વીજ પુરવઠો પુરતા પ્રમાણમાં ન મળતા અવાર નવાર વીજ પુરવઠો ખોરવાતા શિયાળુ પાક મેળવવા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પુરતો વીજ પુરવઠો ન મળતા શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

સંજેલી તાલુકાનુ પીછોડા ગામ ડુંગર અને જંગલ વિસ્તાર ધરાવતુ ગામ છે. જયાં ડુંગર અને વચ્ચે આ ગામ આવેલુ છે. તળાવ કે સિંચાઈની સુવિધા ન હોવાથી આ ગામના ખેડુતોને શિયાળો પાક મેળવવા માટે પોતાના ખેતરમાં ખોદેલા બોર અને કુવામાંથી પાણીનો ઉપયોગ કરી ખેતી મેળવતા હોય છે. પરંતુ વીજ પુરવઠો ન મળવાથી કુવામાં હોય તો હવાડામાં આવે તેવો ધાટ સર્જાયો છે. છેલ્લ 10 દિવસથી પીછોડા ગામે ખેતીવાડી વીજ પુરવઠો સમયસર ન મળતા ખેડુતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા ખેડુતોને 24 કલાક વીજળી આપવા માટેના ગુલબાંગો પોકારવામાં આવી રહ્યા છે પરંતુ સંજેલી તાલુકાના પીછોડા ખાતે ખેતીવાડી વીજ પુરવઠો દિવસમાં 1 થી 2 જ કલાક આપવામાં આવતો હોય તેવી ખેડુતોની રજુઆત છે. જો સમયસર પુરવઠો ન મળે તો ખેડુતોના શિયાળા પાકને નુકસાન થવાની પણ ભિતી સેવાઈ રહી છે.