દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના પીછોડા ગામે નાળ ફળિયા રોડ પર પોતાના ઘર તરફ આવવા મુખ્ય રસ્તા પર આવેલ પીછોડા ગામના યુવકને પુરપાટ દોડી આવતી અપાચી મોટર સાયકલની પાછળથી ટક્કર વાગતાં માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યાનું તેમજ મોટર સાયકલ પોતાના કબજાની મોટ સાયકલ સ્થળ પર જ મૂકી નાસી ગયાનું જાણવા મળેલ છે.
એક મોટર સાયકલ ચાલકને તેના કબજાની જીજે-20 બી.સી.-7598 નંબરની અપાચી મોટર સાયકલ ગતરોજ સવારે સાડા સાત વાગ્યાના સુમારે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી પોતાના ઘર તરફ આવવા નીકળેલ પીછોડા ગામના નાળ ફળિયામાં રહેતા મુકેશભાઈ હીરાભાઈ બારીયાને પાછળથી જોશભેર ટક્કર મારી પોતાના કબજાની અપાચી મોટર સાયકલ સ્થળ પર જ મૂકી નાસી ગયો હતો. જ્યારે રોડ પર પટકાયેલા મુકેશભાઈ બારીયાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ સંજેલી પોલીસને થતાં સંજેલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃત્તક મુકેશભાઈ બારીયાની લાશનું પંચો રૂબરૂ પંચનામુ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે સંજેલી સરકારી દવાખાને મોકલી આપી સ્થળ પર પડેલ અપાચી મોટર સાયકલ કૂબજે લઈ પીછોડા ગામના નાળ ફળિયામાં રહેતા મરણ જનાર મુકેશભાઈ બારીયાના ભાઈ હરેસિંહભાઈ હિરાભાઈ બારીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે સંજેલી પોલીસે અપાચી મોટર સાયકલના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.