દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે પાકુ ધાબાવાળુ મકાન બનાવવા મામલે થયેલ ઝઘડા તકરારમાં ચાર ઈસમોએ પોતાના હાથમાં મારક હથિયારો ધારણ કરી એક વ્યક્તિના ઘરે આવી કુહાડીની મદુર વડે, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ચાર વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.24મી એપ્રિલના રોજ સંજેલીના કરંબા ઉમરેઠ ફળિયામાં રહેતાં રાકેશભાઈ દીતાભાઈ મછાર, અજીતભાઈ દીતાભાઈ મછાર, નિલેશભાઈ હકલાભાઈ મછાર તથા મુકેશભાઈ દીતાભાઈ મછારનાઓએ પોતાના હાથમાં કુહાડી, લાકડીઓ વિગેરે જેવા મારક હથિયારો ધારણ કરી પોતાના ગામમાં રહેતાં મસુલભાઈ દલસીંગભાઈ મછારના ઘરે આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમે પાકુ ધાબાવાળુ મકાન કેમ બનાવી દીધેલ છે ? તેમ કહી દલસીંગભાઈને માર મારી કુહાડીની મુદર માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. ત્યારે પિન્ટુભાઈ અને પપ્પુભાઈ વચ્ચે છોડવવા પડતાં તેઓને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મસુલભાઈ દલસીંગભાઈ મછારે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.