સંજેલીના જીતપુરા ગામે જેસીબી અને વેક્યુમ મશીનથી લૂંટ અને હત્યામાં વપરાયેલો મોબાઈલ કબજે કરવામાં આવ્યો : આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટના હુકમથી જેલમાં મોકલી દેવામાં આવ્યો

સંજેલી,સંજેલી તાલુકાના જીતપુરા ગામે નિવૃત્ત શિક્ષક દંપતિના ઘરમાં ઘૂસી લૂંટ તેમજ હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. અને તેને કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન જેસીબી અને વેક્યુમની મદદથી ખાળ કુવામાંથી મોબાઇલ કાઢી કબજે લઈ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. સંજેલી તાલુકાના જીતપુરા ગામે નિવૃત્ત શિક્ષક દીપસિંગભાઈ માનસિંગભાઈ પલાસ અને તેમના ધર્મ પત્ની રાજમોહિની પલાસ પીપળીયા ગામે સાસરીમાંથી સામાજીક પ્રસંગમાં હાજરી આપી અને રાત્રે પરત ઘરે આવી નિરાંતની નીંદર માણી રહ્યા હતા. તે વખતે રાત્રિના સમયે તકનો લાભ લઈ ઈરાદાપૂર્વક ઘરમાં ઘૂસી આવેલા ડોકા તલાવડી ગામના રમણભાઈ પલાસે નિવૃત્ત શિક્ષક દીપસિંહભાઈ પલાસ પર કુહાડી વડે હુમલો કરી અને નિવૃત્ત શિક્ષિકા રાજમોહિનીબેન પલાસને પણ નાની મોટી ઇજાઓ કરી ઘરમાં મૂકી રાખેલ સોનાના દાગીના લૂંટી તેમજ કાર લઈ નાસી છૂટ્યો હતો. અને કાર નજીકના જંગલમાં મૂકી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. જેમાં નિવૃત્ત શિક્ષક દીપ સિંહભાઈ પલાસનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ દરમિયાન બુકાનીધારી આરોપી નિવૃત્ત શિક્ષકના ઘરમાંથી નીકળી રહ્યો હતો તે દરમિયાન તેનો મોબાઇલ ખાળ કુવામાં પડી ગયો હતો. પરંતુ મોબાઈલ શોધખોળ કરવા જશે તો તેને કોઈ જોઈ જશે અથવા તો સવાર પડી જશે તેના ડરથી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

જે બાદ વહેલી સવારે તેને પોતાના ત્યાં પણ ચોરી થઈ હોવાનું તરકટ રચ્યું હતું અને સંજેલી પોલીસ મથકે તે બાબતે ફરિયાદ નોંધાવવા પહોંચી ગયો હતો. અને પોલીસે તેની ફરિયાદ લીધા બાદ પોલીસને શંકા પડતા પોલીસે તમામ તપાસ કરતા પોતે જ નિવૃત્ત શિક્ષકને ત્યાં પોતાનુ ટ્રેકટર ખેતી કામમાં ઉપયોગમા લેતો હોવાથી શિક્ષકને ત્યાં અવારનવાર જતો હતો અને તે જ જાણ ભેદુ હોવાથી તેને જ આ લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તેને દબોચી લીધો હતો અને ઊંડી પૂછપરછ કરતા તેને સદર ગુનાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેને વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને રિમાન્ડ દરમિયાન સંજેલી પીએસઆઇ એસ.બી. રાણા, જમાદાર શૈલેષભાઈ ભગોરા, ભરતભાઈ પટેલ, કૈલેશ ગોહિલ વગેરેની ટીમની સઘન પૂછપરછમાં હત્યારાએ તેનો મોબાઇલ ખાળ કુવામાં પડી ગયો હોવાનું જણાવતા પોલીસે જેસીબી અને સંતરામપુર નગરપાલિકાના વેક્યુમ મશીનની મદદથી ખાળ કુવો સાફ કરી અને તેમાંથી મોબાઇલ શોધી કાઢી પોલીસે કબજે લીધો હતો. રિમાન્ડ પૂર્ણ થતા જ હત્યારા આરોપીને કોર્ટના આદેશ મુજબ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.