સંજેલીના હિરોલા ગામેથી પાંડી ફળિયાને જોડતો રસ્તામાં તિરાડો પડતા ગ્રામજનો દ્વારા આંદોલનની ચિમકી

સંજેલી,સંજેલી તાલુકાના હિરોલા ગામે આવેલ પાંડી ફળિયામાં જવા માટે આઝાદીના સમયથી ડામર રસ્તો ન હોવાના કારણે ગ્રામજનો દ્વારા વારંવાર રજુઆતો કરવા બાદ હાલમાં એક કરોડ બાસઠ લાખના ખર્ચે નવીન ડામર રસ્તો મંજુર થયેલ છે. ત્યારે આ રસ્તાના કોન્ટ્રાકટર દ્વારા હાલમાં ડીપ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. અને જેમાં હલકી ગુણવત્તાનુ મટીરીયલ્સ વાપરવામાં આવ્યુ હતુ. તે અંગે માજી તાલુકા સભ્ય નંદાબેન અલ્કેશભાઈ કટારા દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં જાણ કરવામાં આવી હતી. આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા રૂબરૂ કામનુ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં કોન્ટ્રાકટર દ્વારા એસ્ટિમેન્ટમાં બતાવ્યા પ્રમાણે કામ ના હોવાના કારણે ડીપ તોડી નાંખવા જણાવ્યુ હતુ. ડીપ તોડીને કોન્ટ્રાકટર દ્વારા નવીન બનાવવામાં આવ્યો હતો. પરંતુ એક મહિનામાં તે ડીપમાં તિરાડો પડેલી જોવા મળી હતી. આ રસ્તો મુખ્ય શાળા હિરોળાથી પાંડી ફળિયાને જોડતો માર્ગ છે. આઝાદી બાદ લોકો ગાડા વાટનો ઉપયોગ કરતા હતા. દવાખાને હોય તો પણ ચાલીને જવુ પડતુ હતુ. આ રસ્તો બનવાથી આશરે પંદરસો જેટલી વસ્તીને લાભ થયો છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવત્તાનુ મટીરીયલ્સ વપરાતા રસ્તો તેમજ બનેલ ડીપમાં હાલ તિરાડો પડેલી જોવા મળી છે. માજી તાલુકા પંચાયત સભ્ય નંદાબેન અને ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. અને જે તે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર પર કડક પગલા ભરવા જણાવ્યુ છે.