સંજેલી,
સંજેલી તાલુકાના હિરોલા ગામે આવેલ પાંડી ફળિયામાં જવા માટે આઝાદીના સમયથી ડામર રસ્તો નહિ હોવાના કારણે ગ્રામજનો દ્વારા વારંવાર રજુઆતો કરાયા બાદ હાલમાં જ રૂ.1.62 લાખના ખર્ચે નવીન ડામર રસ્તો મંજુર કરાયો છે. ત્યારે આ રસ્તાના કોન્ટ્રાકટર દ્વારા હાલમાં ડીપ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેમાં યોગ્ય ગુણવત્તા જળવાતી નથી. આ અંગે માજી તાલુકા સભ્ય નંદાબેન અલ્કેશભાઈ કરાટા દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં જાણ કરવામાં આવી હતી. આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા રૂબરૂ કામનુ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ જેમાં એસ્ટિમેન્ટમાં બતાવ્યા પ્રમાણે કામ ન હોવામના કારણે ડીપ તોડી નાંખવા જણાવ્યુ હતુ. આ રસ્તો મુખ્ય શાળા હિરોળાથી પાંડી ફળિયાને જોડતો માર્ગ છે. આઝાદી બાદ લોકો ગાડા વાટનો ઉપયોગ કરતા હતા. દવાખાને જવુ હોય તો પણ ચાલીને જવુ પડતુ હતુ. આ રસ્તો બનવાથી આશરે 1500 જેટલી વસ્તીને લાભ થશે. જેથી કામની ગુણવત્તા જળવાઈ રહે તેવી માંગ છે.