દાહોદ,દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલા ગમખ્વાર અકસ્માતોનો સિલસીલો રોકાવવાનુ નામ લેતો નથી. તેમાં જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર અકસ્માતોના બે બનાવો પૈકીના એક બનાવ સંજેલી તાલુકાના હિરોલા ગામે રંગલી ફળિયામાં એક ટ્રેકટર ચાલક તેના કબ્જાનુ ટ્રેકટર પુરઝડપે અને રોન્ગ સાઈડે હંકારી લઈ આવી સાગડાપાડા ગામના 70 વર્ષના વીરાભાઈ લાલજીભાઈ તાવિયાડને ટકકર મારી નાસી જતા વિરાભાઈ તાવિયાડને જીવલેણ ઈજાઓ થતાં તેમનુ સ્થળ પર જ મોત નીપજયું હતુ. આ સંબંધે સાગડાપાડા ગામના મરણ જનાર વીરાભાઈ તાવિયાડના દિકરા સુરતનભાઈ વીરાભાઈ તાવિયાડે નોંધાવેલી ફરિયાદના આધારે સંજેલી પોલીસે આયસર કંપનીના ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે બીજો બનાવ દાહોદ તાલુકાના ખંગેલા ગામે ચેકપોસ્ટની સામે થોડે દુર ઈન્દોૈર-અમદાવાદ નેશનલ હાઈવે પર અજાણ્યો વાહન ચાલક તેના કબ્જાનુ વાહન પુરઝડપે હંકારી લઈ આવી ચેકપોસ્ટથી થોડે દુર પગપાળા જઈ રહેલા અજાણ્યા ઈસમને અડફેટમાં લઈ તેને મોઢાના ભાગે તથા ખભાના ભાગે પૈડા ફરી વળતા સ્થળ પર જ મોત નીપજયું હતુ.ફ આ અંગે ખંગેલા ગામના નવાપુરા ફળિયામાં રહેતા ગલીયાભાઈ સુરસીંગભાઈ મેડાએ કતવારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.