સંજેલીના ગરાડીયામાં સ્કુલના બાંધકામમાં કામદારોની સેફ્ટીનો અભાવ

સંજેલી, સંજેલી તાલુકામાં આવેલ ગરાડીયા ગામે નજીક આવેલ ટેકરી પર આદિવાસી બાળકોને યોગ્ય ભણતર અને સુવિધાઓ મળી રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા ગર્લ્સ રેસીડેન્સી સ્કુલનુ બાંધકામ ગત જાન્યુઆરી માસમાં ચાલુ કરવામાં આવ્યુ હતુ. જે નવીન શાળાના બાંધકામમાં સરકાર દ્વારા રૂ.16 કરોડ જેટલી માતબર રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાળાનુ બાંધકામ શરૂ થયુ ત્યારથી આજ સુધી ત્રીજા માળનુ હાલ કામકાજ ચાલી રહ્યુ છે. સુરતના કોન્ટ્રાકટર દ્વારા આ કામ કરાવવામાં આવે છે ત્યારે કોન્ટ્રાકટર દ્વારા આ કામમાં મજુરી કામ કરતા કારીગરો તેમજ મજુરોને જરૂરી સેફટીના સાધનો પુરા પાડવામાં આવ્યા નથી. અને બીજા માળ પર પાલખ પર ચણતર કામ તેમજ પ્લાસ્ટર કામ કરતા મજુરો સેફટીના સાધનો પહેર્યા વગર કામકાજ કરતા જોવા મળે છે. અને ત્રીજા માળ પર સેન્ટિંગનુ કામ કરતા કારીગરો પણ ખુલ્લા માથે જોવા મળે છે. હેલ્મેટ પણ પહેરતા નથી. આમ કામ કરતા કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ રાખશે ? જેવો પ્રશ્ર્ન સતાવ્યા કરે છે. આ બાંધકામ ચાલુ છે ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા આવા મોટા કામની દેખરેખ રાખવામાં આવે કે રામ ભરોસે કામ ચાલી રહ્યુ તે આના પરથી દેખાઈ આવે છે. આવા કોન્ટ્રાકટર પર યોગ્ય પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.