સંજેલી, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ગામની નદીના નાળા પાસે પુરઝડપે જતી તુફાન ગાડીના ચાલકે બાઈકને ટકકર મારતા બાઈક પર સવાર બે યુવાનોના ધટના સ્થળ પર જ મોત નીપજયાં હતા. જયારે તુફાન ગાડીનો ચાલક નાસી છુટયો હતો.
ભામણ ગામના માલ ફળિયામાં રહેતા સામજીભાઈ ચુનીયાભાઈ માલ ખેતી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેમના ધરમાં પરિવારની દિકરીના લગ્ન હોઈ પાધડીનો પ્રસંગ હતો. જે માટે તેમનોે પુત્ર જીગર અને ભત્રીજો મેહુલ તેમના જમાઈની બાઈક લઈને પાધડી પ્રસંગમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામની નદીના નાળા પાસેથી પસાર થતી વખતે સામેથી પુરઝડપે આવતી તુફાન ગાડીના ચાલકે તેમની બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર બંને યુવાનો રોડ પર ફંગોળાયા હતા. જેમાં બંનેને ગંભીર ઈજાઓ થતાં બંનેના ધટના સ્થળ ઉપર જ મોત નીપજયાં હતા. અકસ્માત બાદ તુફાન ગાડીનો ચાલક ત્યાં જ ગાડી મુકી નાસી ગયો હતો. બનાવની જાણ ગામના લોકોને થતાં ધટના સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. તેમજ બંને યુવાનોના પરિવારને પણ કરાતા તેઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે સંજેલી પોલીસને જાણ કરાતા પોલીસ ધટના સ્થળે પહોંચી બંને મૃતકોની લાશને પી.એમ.અર્થે મોકલી આગળની કાર્યવાહી કરી હતી. તેમજ અકસ્માત સર્જનાર ગાડીના ચાલકની પણ શોધખોળ હાથ ધરી હતી.