સંજેલીના ભમેલા પ્રાથમિક શાળામાં છતનો પોપડો પડતા વિધાર્થીની ધાયલ

સંજેલી,સંજેલી તાલુકાના ભમેલા પ્રા.શાળામાં અભ્યાસ દરમિયાન અચાનક છત પરથી પોપડો ખરતા ધોરણ-2ની વિધાર્થીની ધાયલ થતાં દોડધામ મચી જવા પામી હતી. ધટનામાં સદ્ભાગ્યે અન્ય છાત્રોનો બચાવ થયો હતો.

સંજેલી તાલુકાના ભમેલા ખાતે આવેલી પ્રા.શાળામાં ધો-1 થી 8માં 182 જેટલા વિધાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે. શાળાના 10 ઓરડામાંથી એક વર્ષ અગાઉ ચાર ઓરડા તોડી પાડ્યા બાદ બાંધકામની મંજુરી ન મળતા હાલ શાળામાં બીજા 4 ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી તોડી પાડવા મંજુરી આપી દેવામાં આવી છે. પરંતુ એક વર્ષ અગાઉ તોડી પાડેલા ઓરડાની બાંધકામની મંજુરી કે બાંધકામ શરૂ ન થતાં બાળકોને કયાં બેસાડીને અભ્યાસ કરાવવો તેની સમસ્યા ઉભી થઈ છે. નવીન ઓરડા બનાવવામાં આવતા નથી અને 6 ઓરડામાંથી પણ ચાર ઓરડાઓ જર્જરિત હાલતમાં તોડી પાડવા માટેની મંજુરી આપી દેવામાં આવી છે પરંતુ તોડી પાડવામાં આવ્યા નથી. જે ઓરડાને તોડી પાડવાની મંજુરી મળી તેવા ઓરડામાં બાળકોને અભ્યાસ આપવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બીજા ધોરણના વર્ગમાં છત પરથી પોપડો પડતા અંજનાબેન ભાભોર નામક વિધાર્થીની ધાયલ થઈ હતી. આ ધટના બનતા વિધાર્થીઓએ બુમાબુમ કરી હતી. વિધાર્થીનીને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડાઈ હતી. જોકે માથામાં વધુ ઈજાઓ ન હોવાથી શાળાના સ્ટાફ અને તેના વાલીએ હાશકારો અનુભવ્યો હતો.