સંજેલી મીલવાળી ચાલીથી બસ સ્ટેન્ડ જવાના માર્ગ ઉપર કાદવ-કિચડથી લોકો પરેશાન

સંજેલી,

દાહોદ જિલ્લાના સંજેલી ખાતે મીલવાળી ચાલીમાંથી પસાર થતાં નવા બસ સ્ટેશન તરફ જવાના રસ્તા પર ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતાં રોડ પર પાણીના ખાબોચિયાઓ અને કાદવ/કિચડ ભરાઈ રહે છે. તેમજ રોડ પણ છેલ્લા ધણા સમયથી અત્યંત બિસ્માર હોઈ ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

સંજેલી નગરમાં ગટરના પાણીના યોગ્ય નિકાલની કોઈ જ સુવિધા નથી. નગરમાં ભુગર્ભ કે પાકી ગટરની સુવિધા ન હોવાના કારણે નગરના રસ્તાઓ પર બારેમાસ ગટરના ગંદા પાણી રેલાતા રહે છે. જેના કારણે ગંદકી અને ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. રોડ પર ભરાઈ રહેતા ગંદા પાણીના કારણે સ્થાનિક રહિશો હેરાન પરેશાન થઈ ગયા છે. આ બાબતે વારંવાર સંજેલી પંચાયતમાં રજુઆતો કરવા છતાં પણ પાકી ગટરો અને ગંદા પાણીના યોગ્ય નિકાલની કામગીરી કરાતી નથી. નવા બસ સ્ટેશન જવાના રસ્તા પર બારેમાસ કાદવ-કિચડ અને ગટરના ગંદા પાણી ભરાઈ રહે છે. સ્થાનિક રહિશો દ્વારા 15 દિવસનુ અલ્ટિમેટમ આપી વહેલી તકે કાર્યવાહી કરવામાં નહિ આવે તો રસ્તો બંધ કરી દેવાની તેમજ જરૂર પડે તો સંજેલી પંચાયતને તાળાબંધી કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.