સંજેલી મામલતદાર કચેરીમાં વિધવા સહાય માટે મહિલાઓને ધરમધકકા

સંજેલી, સંજેલી તાલુકાની વિધવા બહેનોએ 10 મહિનાથી મામલતદાર કચેરી ખાતે ઓનલાઈન ફોર્મ ભર્યા છતાં પણ વિધવા સહાયની મંજુરી હુકમ ન મળતા બહેનોની હાલત કફોડી બની છે. વિધવા બહેનો અનેકવાર કચેરીઓમાં મંજુરી હુકમ મેળવવા માટે અવાર નવાર જાય છે. છતાં પણ મંજુરી હુકમ પત્રક મેળવવા ધરમધકકા ખાવાનો વારો આવ્યો છે.

સંજેલી તાલુકામાં 57 ગામ આવેલા છે. જેમાં 1166 વિધવા બહેનો અને 1695 વૃદ્ધો સહાય મેળવી રહ્યા છે પરંતુ 10 મહિના જેટલા સમયથી વિધવા બહેનોની ઓનલાઈન પ્રક્રિયા દ્વારા ફોર્મ ભર્યા છતાં પણ વિધવા બહેનોને મંજુર હુકમ ન મળતા ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીજીટલ જમાનો હોવા છતાં વિધવા બહેનોને મંજુરી પત્રક ન મળતા ધરમધકકા ખાવાનો વારો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી સમય અને પૈસાનો બગાડ કરી લાકડીના સહારે મામલતદાર કચેરી તેમજ બેંકોમાં ધકકા ખાઈ રહ્યા છે. તાલુકા અને જિલ્લાના અધિકારીઓ દ્વારા આ વિધવા બહેનોની ઓનલાઈન અરજીનો નિકાલ કરી વહેલી તકે આ મંજુરી હુકમ પત્રક આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.