સંજેલી મામલતદાર આંગણવાડી પાસે વરસાદી ગંદા પાણી ભરાઈ જતા હાલાકી

દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં રોડ ગટરના અભાવના કારણે ચારેબાજુ કાદવ-કિચડ થઈ ગયા હતા. જયારે નીચાણવાળી અનેક જગ્યાઓએ ગંદા પાણી ફરી વળ્યા હતા.

સંજેલી નગરમાં ગટરની વ્યવસ્થા નહિ હોવાથી નીચાણવાળી જગ્યા ઉપર ગંદા પાણી ભરાઈ રહેતા પેટ્રોલપંપ, મામલતદાર કવાર્ટર મહંમદિયા, આંગણવાડી સહિત ઠેર ઠેર ગંદા પાણી ભરાઈ ગયા હતા. સંજેલી મહંમદીયા આંગણવાડી કેન્દ્રમાં ગંદા પાણીનુ રેલમછેલ અને આજુબાજુ ગંદકી ખદબદી રહી છે. નાના બાળકો કાદવ-કિચડ અને ગંદકીમાંથી પસાર થતાં હોવાથી રોગચાળો ફાટી નીકળવાની ભિતી સેવાઈ રહી છે. ગંદકી અને ગંદા પાણી આંગણવાડીમાં ભરાઈ જતાં અગાઉ અનેક વખત મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારી, સંજેલી પંચાયતને પણ લેખિત અને મોૈખિક રજુઆતો કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા સમસ્યાનો યોગ્ય નિકાલ કરાયો નથી. આંગણવાડી કેન્દ્રની આજુબાજુ ગંદકી તેમજ કચરો અને ગંદા પાણીની વહેલી તકે સાફસફાઈની વ્યવસ્થા કરે તેવી સંજેલી પંચાયતને આંગણવાડી વર્કર દ્વારા સંજેલી પંચાયતને લેખિત રજુઆત કરી છે. જો આ ગંદકી અને ગંદા પાણીનો યોગ્ય રીતે નિકાલ નહિ કરે તો ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાનો ફરજ પડશે.