સંજેલીમાં નવો રસ્તો તુટતા હલકી ગુણવત્તાની કામગીરીની ચાડી

સંજેલી, સંજેલી મુખ્ય માર્ગ પર નવીન આર.સી.સી.રસ્તાની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. રસ્તાની કામગીરી પુર્ણ થાય તે પહેલા જ સંજેલી તાલુકા પંચાયત મુખ્ય માર્ગથી બસ સ્ટેશન સુધીના રસ્તા પર ઠેર ઠેર ગાબડા પડ્યા અને કપચીઓ ઉપસી આવી છે. જેને લઈને સ્થાનિક લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મંજુર થયેલા રસ્તા પર મિલીભગત કે આંખ આડા કાન હોય તેમ રસ્તાની યોગ્ય તપાસ કરવામાં આવતી નથી. તેમજ તેના ઉપર પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી. જેથી સ્થાનિક લોકો તેમજ જાગૃત નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી જિલ્લાના તંત્ર દ્વારા રસ્તાની મુલાકાત લઈ અને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.