સંજેલીમાં માજી સૈનિકોના ખેતી અને મકાનની જમીન ફાળવવા માંગ

સંજેલી, સંજેલી તાલુકાના માજી સૈનિકોને પોતાના ગામમાં આવેલી સરકારી પડતર જમીન પર ખેતી તેમજ રહેણાંક મકાન માટે સરકારના નિયમો મુજબ ફાળવણી કરવામાં આવે તે માંગ સાથે મામલતદારને માજી સૈનિક સંગઠનના પ્રમુખ સહિત સભ્યો દ્વારા રજુઆત કરાઈ હતી.

નેનકી, માંડલી, પીછોડા, વાંસીયા, સંજેલી, કરંબા, સહિત તાલુકાના વીર જવાનોએ દેશની રક્ષા માટે ગામ તેમજ વતન છોડી જીવના જોખમે ફરજ બજાવી પરત ધરે આવી ચુકયા છે. તાલુકાના 43 માજી સૈનિકોને હિરોળા તેમજ કરંબા ખાતે આવેલી પડતર જમીન માજી સૈનિકોને ફાળવવા માટે નકશા નકલો સાથે તાલુકા, જિલ્લા અને ઉચ્ચકક્ષા તેમજ રાજયપાલને લેખિત રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરે દરખાસ્ત તૈયાર કરી અને મોકલી આપવા તાલુકા મામલતદારને લેખિત જાણ કરી હતી. તેમ છતાં પણ આજદિન સુધી આ બાબતે કોઈ કાર્યવાહી ન થતાં માજી સૈનિક સંગઠનના પ્રમુખ રણછોડભાઈ ગવજીભાઈ પલાસ અને માજી સૈનિકો દ્વારા સંજેલી મામલતદારને તાત્કાલિક દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવા તેમજ માજી સૈનિકોને પડતર જમીનની ફાળવણી કરી આપવા લેખિત રજુઆત કરવામાં આવી છે.