સંજેલી,
સંજેલી નગરમાં ઠેર ઠેર જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. અને નગરમાં જયાં જુઓ ત્યાં ઢોરોના ટોળેટોળા જોવા મળે છે. આ અંગે નગરજનો દ્વારા સંજેલી પંચાયતને વારંવાર લેખિત તેમજ મોૈખિક જાણ કરવા છતાં પંચાયત તંત્ર દ્વારા કોઈ અગત્યના પગલા લેવામાં આવ્યા નથી. સંજેલી ખાતે આવેલ માંડલી ચોકડી પર અગાઉના સમયસમાં આવા રખડતા ઢોરોને પકડીને બાંધવા માટે ઢોર ડબ્બો બનાવવામાં આવેલ હતો. જે પંચાયત દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. જે અંગે નવીન ઢોર ડબ્બો બનાવવા માટે સંજેલીના ગ્રામજનો દ્વારા તંત્રને લેખિત તેમજ મોૈખિક જાણ કરવામાં આવી હતી. આ અરજી આપ્યાને ઓછામાં ઓછો છ થી સાત માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં પણ સરકારી તંત્ર દ્વારા આ અંગે કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે સંજેલી નગરમાં રખડતા ઢોરોના ત્રાસ વધી ગયેલ છે. અને અવાર નવાર અકસ્માતો બન્યા કરે છે. સંતરામપુર રોડ પર આવા જ ઢોરોના ટોળામાં બાઈક સવાર અડફેટમાં આવી જતા અકસ્માત સર્જાયો છે. જેથી નગરજનોની માંગણી એવી છે કે, પંચાયત તંત્ર દ્વારા કડક પગલા ભરવામાં આવે અને આવા રખડતા ઢોરોના માલિકો પર કડક પગલા ભરવામાં આવે તેમ જનતા ઈચ્છી રહી છે. અને જો સત્વરે પગલા ભરવામાં આવે તો મોટી જાનહાનિ ટળી જાય તેમ છે.