સંજેલીમાં ગૌચર જમીનમાં દબાણ માપણી કરવા આવેલા સર્વેયરો સરપંચ અને તલાટી હાજર ન રહેતા પરત ફર્યા

સંજેલી, સંજેલી માંડલી ચોકડી પર આવેલી ગૌચર ની જમીન પરનુ દબાણની માપણી કરવા માટે આવેલા સર્વેયરો સરપંચ તલાટી સ્થળ પર હાજર ન થતાં માપણી કર્યા વિના જ પરત ફર્યા હતા. પોલીસ પ્રોટેકશન ફાળવવામાં આવ્યુ નથી જેથી માથાભારે દબાણકારો હોવાથી નવી તારીખ લઈ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો ખુલ્લા કરવામાં આવશે.

સંજેલી તાલુકાના માંડલી ચોકી પર આવેલા સર્વે નં.-194 વાળી ગૌચરની જમીન પરનુ દબાણ ખુલ્લુ કરવા માટે છેલ્લા એક વર્ષથી માથાકુટ ચાલે છે. સરપંચ પોલીસ બંદોબસ્ત તેમજ સર્વેયરના માથે ઢોળી આક્ષેપ કરી રહ્યા છે. ગૌચરની જમીન પર માથાભારે લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યુ છે. અને પોલીસ તેમજ તાલુકા અને જિલ્લાકક્ષાએ બંદોબસ્ત માટે લેખિત જાણ કરવામાં આવી છે. પરંતુ કોઈ કારણોસર બંદોબસ્ત આપવામાં આવ્યો નથી. સર્વેયર તેમની તારીખે સ્થળ પર માપણી કરવા માટે આવ્યા હતા તેઓ સ્થળ પર ઉભા રહ્યા પરંતુ સરપંચ અને તલાટી આવ્યા ન હતા. અને સર્વેયરને પંચાયત ખાતે બોલાવી માપણી દરમિયાન પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. જે ફાળવવામાં આવ્યો નથી. જેથી બંદોબસ્ત માટે ફરી જાણ કરીશુ અને અન્ય તારીખ ફાળવવા માટે અરજી કરવા જણાવ્યુ હતુ.