સંજેલી જુના બસ સ્ટેશન પાસે ગટરના પાણી ઉભરાતા નગરજનોને હાલાકી

સંજેલી જુના બસ સ્ટેશન પર ગટરની અધુરી કામગીરીને લઈને ગટરના પાણી રોડ પર વહેવા લાગતા સ્થાનિકોને મચ્છરજન્ય રોગ ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે. વહેલી તકે આ ગટરની કામગીરી પુર્ણ કરવા માંગ કરાઈ છે.

સંજેલી ગ્રામ પંચાયતના કથળતા જતાં વહીવટના કારણે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળવી મુશ્કેલ બની છે. ગ્રામજનોની ગટર વ્યવસ્થા, નલ સે જલ યોજના, પાણી, સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છ અભિયાન સહિતની સુવિધાઓ માટે વારંવાર તાલુકા-જિલ્લા કક્ષાએ અને ગ્રામસભામાં રજુઆત કરાઈ છે. છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી અને મનમાની ચલાવી અને પ્રાથમિક સુવિધા અપાતી નથી. કળમી ફળિયા પીપળાવાળા મંદિર પાસેથી સંતરામપુર ચોકડી સુધી ગટર જોડવાની કામગીરી બાકી હોવાથી કળમી ફળિયા ગટરનુ પાણી ગુરૂ ગોવિંદ ચોક પાછળ જુના બસ સ્ટેશનના મુખ્ય માર્ગ પર વહેવા લાગ્યુ છે. બીજી તરફ તાલુકા મુખ્ય પ્રા.શાળાના ગેટ આગળ પણ ગટરના પાણી વહેવા લાગ્યા છે. જે બાબતે ગ્રામ પંચાયતના સરપંચને વારંવાર લેખિત-મોૈખિક રજુઆત કરી છે. છતાં પણ જાડી ચામડીના સરપંચ સત્તાની નશામાં કોઈપણ જાતની દરકાર લેતા નથી.શાળાએ જતાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. પીપળાવાળી ચોકડીથી સંતરામપુર ચોકડી સુધી લગભગ 70 મીટર જેટલી ગટર લાઈન બને તો આ રોડ પર વહેતા પાણી અને પ્રા.શાળા તરફ વહેતા પાણીનો યોગ્ય નિકાલ થાય તેમ છે.