સંજેલી ગ્રામ પંચાયતમાં સરકારી પડતર ગૌચર પરના દબાણો દુર કરાશે

સંજેલી ગ્રામ પંચાયતમાં સરકારી પડતર અને ગૌચર જમીન પરના દબાણો દુર કરવા માટે યોજાયેલી સામાન્ય સભામાં નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના કડક શબ્દોની ટકોર અને જિલ્લા વહીવટી તંત્રની નોટિસના આધારે દબાણો દુર કરવા માપણી ફી ભરી અને માપણી કરાવી દબાણો ખુલ્લા કરવા માટે નોટિસ ફટકારી અને દબાણો દુર કરાશે.

સરકાર દ્વારા યોજાતી તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત અને મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ સુધી વધુ પડતા ગોૈચર દબાણો અને સરકારી પડતર પરના દબાણોની રજુઆતોને લઈને મુખ્યમંત્રી દ્વારા કડક શબ્દોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને ટકોર કરાઈ હતી. કારણ કે, સ્થાનિક પ્રશ્ર્નોની પ્રાથમિક તબકકે જવાબદારી જિલ્લાકક્ષાની હોય છે. જેથી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ દબાણોની તાત્કાલિક નિકાલ કરવા અને દર મહિને સમીક્ષા હાથ ધરવા માટે કડક શબ્દોમાં મુખ્યમંત્રી દ્વારા ટકોર કરાઈ છે. જેને લઈને જિલ્લા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે.

સંજેલી ખાતે ગોૈચરની જમીન પર થયેલા દબાણો ખુલ્લા કરવા માટે અવાર નવાર ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને મુખ્યમંત્રી સ્વાગત તેમજ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે. 7 વર્ષ અગાઉ સંજેલીમાં લગભગ 700 જેટલા કાચા-પાકા દબાણો ખુલ્લા કરાયા હતા. પંચાયત તંત્રની રહેમ નજર હેઠળ ફરી દબાણો ધમધમી રહ્યા છે. અવાર નવાર ગ્રામ પંચાયત દ્વારા ખુલ્લા કરવાની માત્ર નોટિસ આપી અને સંતોષ માની લેતા હોય છે ત્યારે ફરી એક વખત મુખ્યમંત્રીની ટકોર બાદ સંજેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલા ગોૈચર તેમજ સરકારી પડતર પરના દબાણો દુર કરવા માટે સંજેલી પંચાયતના સરપંચ તલાટી અને સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ગોૈચર પર થયેલા દબાણો અને સરકારી પડતર પર થયેલા દબાણો દુર કરવા માટે માપણી ફી ના પૈસા ભરી હદ અને નિશાન કરી દબાણો ખુલ્લા કરવા માટે ઠરાવ કરાયો હતો.