સંજેલી ગામમાં પાંચ દિવસથી પાણીની સમસ્યાથી લોકો પરેશાન

સંજેલી,દાહોદ જિલ્લાના સંજેલી નગરની ગૃ્રપ ગ્રામ પંચાયતનો વહીવટ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. પંચાયત દ્વારા બાકી વેરાની કડક ઉધરાણી કરવામાં આવતી નથી. જયારે પંચાયતોમાં તલાટી કમ મંત્રીની કાયમી જગ્યા નહિ ધરાતા વહીવટી ખાડે ગયેલ જોવા મળે છે.

સંજેલી પંચાયતમાં હાલમાં ઈન્ચાર્જ તલાટી કમ મંત્રી છે. હાલમાં પંચાયતની રૂ.22 થી 23 લાખ જેવી ધરવેરાની ઉધરાણી બાકી છે. જેના કારણે પંચાયતની આર્થિક સ્થિતિ ડામાડોળ જોવા મળે છે. તિજોરી તળિયાઝાટક જોવા મળે છે. નગરમાં 14 જેટલા ફળિયાઓની સાફસફાઈ કરતા 25 થી 30 સફાઈ કર્મચારીઓનો પગાર, પંચાયતમાં ફરજ બજાવતા કલાર્ક, પટાવાળા, તેમજ ઉધરાણી કલાર્ક સહિતના સ્ટાફનો પગારનો પ્રશ્ર્ન પર પેચીદો બન્યો છે. કારણ કે સમયસર પગાર ન મળતા સફાઈ કર્મચારીઓ તેમજ વોટરવર્કસના કર્મચારીઓ છાશવારે હડતાળ ઉપર ઉતરી જાય છે. હાલમાં સંજેલી નગરમાં પંચાયતમાંથી પગાર ન મળતા છેલ્લા પાંચ દિવસથી નગરજનોને પાણી આપવાનુ બંધ કરી દેવાયુ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ મેઈન બજારમાં રસ્તાનુ કામ ચાલુ છે. મુખ્ય બજારથી હોળી ચકલા ડિસ્લેરી ફળિયામાં પાણી વેચતા ટેન્કરો જવાની પણ જગ્યા ન હોવાથી પીવાના પાણી માટે લોકોને ખુબ જ અગવડ પડી રહી છે. બીજી તરફ નલ સે જલ યોજનાની કામગીરીમમાં જુના નળ તુટી જતા પણ લોકોને પાણીની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી પંચાયત દ્વારા નગરજનોની પાણીની તકલીફ વહેલી તકે દુર કરાય તેવી માંગ ઉઠવા પામી છે.