સંજેલી, સંજેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની લાખો રૂપિયાના ખર્ચે બનેલ નવીન બિલ્ડિંગના મીટરમાં અચાનક શોર્ટસર્કિટથી આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર સેફટીના અભાવના કારણે વેપારી ખેડુતોએ રેતી અને માટીના સહારે આગને ઓલવી હતી.
સંજેલી તાલુકા મથકે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સંજેલી તાલુકાના 57 ગામો સહિત સીંગવડ, ઝાલોદ, મહિસાગર અને પંચમહાલ જિલ્લાના ખેડુતો સંજેલી માર્કેટમાં અનાજની ખરીદ-વેચાણ કરવા માટે આવતા હોય છે. વર્ષો જુની જર્જરિત બિલ્ડિંગ તોડી પાડી અને લાખો રૂપિયાના ખર્ચે નવીન મિટીંગ હોલ, ચેરમેનની ઓફિસ અને કર્મચારીઅળો માટેની કાર્યાલય સહિતની બહુમાળી બિલ્ડિંગ થોડા દિવસ અગાઉ જ બનાવવામાં આવી છે. જે બિલ્ડિંગમાં અચાનક શોર્ટસર્કિટ થવાના કારણે ધડાકા સાથે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પરંતુ બિલ્ડિંગમાં ફાયર સેફટીના અભાવના કારણે વેપારીઓ તેમજ ખેડુતોએ તાત્કાલિક આજુબાજુથી રેતી અને માટીની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. લાખો રૂપિયાના ખર્ચે હાલમાં જ બનેલ આ નવીન બિલ્ડિંગમાં ફાયર સેફટીના અભાવના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.ચોમાસુ-શિયાળો અને ઉનાળાનો પાક લેતા ખેડુતો અવાર નવાર એપીએમસીમાં ખરીદ-વેચાણ કરવા માટે આવતા હોય છે. પરંતુ ખેડુતો માટે બનાવો રેનબસેરો લુપ્ત કરી દેવામાં આવ્યો છે. શોૈચાલયનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.